સુરત: (Surat) બેફામ અને બેદરકારીથી પૂરઝડપે તથા રોંગ સાઈડમાં બસ (Bus) ચલાવનારા બીઆરટીએસ (BRTS) બસના ડ્રાઇવરો વિવાદનું કેન્દ્ર બની રહ્યા છે. શનિવારે બપોરે ઉધનામાં રસ્તો ક્રોસ કરતા આધેડને બીઆરટીએસ બસના ડ્રાઇવરે અટફેટે લેતાં આધેડને ઇજા થઈ હતી. આધેડ અમલનેરથી ભાણેજના લગ્નમાં (Marriage) સુરત આવ્યા હતા.
- ઉધનામાં રસ્તો ક્રોસ કરતા આધેડને બીઆરટીએસ બસે અડફેટે લેતાં ઇજા
- ઇજાગ્રસ્ત આધેડની ભાણેજનાં લગ્ન હોવાથી આધેડ અમલનેરથી સુરત આવ્યા હતા
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર અમલનેર રહેતા શાંતિલાલભાઈ રામરાવ પારઘી (ઉં.વ.50) ત્યાં ખેતીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. સુરતમાં તેમના ભાઈ સહિતના ઘણા સંબંધીઓ રહે છે. તા.7મી મેના રોજ તેમના ભાણેજનાં લગ્ન છે. શનિવારે હલ્દીનો કાર્યક્રમ હતો. શાંતિલાલભાઈના ભાઈ ઉધનામાં હરિનગર-3 માં રહે છે.
શાંતિલાલભાઈ શનિવારે અમલનેરથી ટ્રેનમાં બેસીને બપોરે ઉધના રેલવે સ્ટેશન ઊતર્યા હતા. ત્યાંથી રિક્ષામાં બેસીને હરિનગર સામે સ્વામીનારાયણ મંદિર પાસે ઊતર્યા હતા. ત્યાંથી રસ્તો ક્રોસ કરી હરિનગર-3માં રહેતા ભાઈના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે બ્લ્યૂ રંગની બીઆરટીએસ બસના ડ્રાઇવરે શાંતિલાલભાઈને અડફેટે લીધા હતા. એ સમયે શાંતિલાલભાઈના ભત્રીજાએ તેમને ખેંચી લેતાં વધુ ગંભીર ઇજા થઈ ન હતી. આધેડને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગમાં ઇજા થઈ હતી. શાંતિલાલભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ઉધના પોલીસ તપાસ કરી રહી છે.