નવી દિલ્હી: 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હી એલજીને (Delhi LG) એક પત્ર લખ્યો છે. જેલમાં બંધ સુકેશે સીએમ કેજરીવાલના સરકારી બંગલાની (Bunglow) સજાવટમાં જે સામાન ખરીદવામાં આવ્યો છે તેની તપાસની માગ કરી છે. સુકેશે દાવો કર્યો છે કે કેજરીવાલે પોતાના આ બંગલામાં મોંધી વસ્તુઓ ખરીદી છે. તેણે કહ્યું છે કે સીએમે પોતાના બંગલા માટે મારી પાસેથી ફર્નિચર અને બેડની ખરીદી કરી છે. બંગલામાં જે ફર્નિચર છે તેની પસંદગી કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈને કરી હતી.
પત્રમાં લખવામાં આવ્યું છે કે 15 પ્લેટ અને 20 ચાંદીના ગ્લાસ, કેટલીક મૂર્તિ, ચાંદીની ચમચી તેઓના બંગલા પર પહોંચી ગયા છે. ઉપરાંત કેજરીવાલે દક્ષિણ ભારતના એક માણસ પાસેથી 90 લાખ રુપિયામાં ચાંદીનો ક્રોકરી સેટ ખરીદ્યો હોય તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે કેજરીવાલે પોતાના અને પોતાના બાળકોના બેડરુમ માટે 34 લાખનું ડ્રેસિંગ ટેબલ ખરીદ્યુ છે. 18 લાખ રુપિયાના 7 મિરરની તેમજ ગાદી, તકીયા, ચાદર જેની કિંમત 28 લાખ રુપિયા, 45 લાખ રુપિયાની 3 વોલ ક્લોકની પણ ખરીદી કરવામાં આવી છે.
સુકેશે આરોપ લગાવ્યો છે કે આ તમામ ફર્નિચર મુંબઈ અને દિલ્હીથી બિલિંગ પર ખરીદી કરી હતી. આ ફર્નિચરને ઈટલી અને ફ્રાંસથી મંગાવવામાં આવ્યા હતા. આ તમામના સબૂત પણ હું તપાસ એજન્સીને આપી શકું છું. મારી પાસે સિસોદીયા અને કેજરીવાલની વોટ્સએપ ચેટ છે.
BJP દ્વારા કેજરીવાલના નિવાસસ્થાન પર 45 કરોડની રકમ ખર્ચ કરવાનો આરોપ
ભાજપે દિલ્હી સરકાર પર કોવિડ રોગચાળા દરમિયાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના સમારકામ પર 45 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલના નિવાસસ્થાનના રિનોવેશન પર કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલોને પગલે દિલ્હી એલજીએ મુખ્ય સચિવ નરેશ કુમારને તમામ સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રાખવા, રેકોર્ડની તપાસ કરવા અને એલજીના અવલોકન માટે 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.