રાજકોટ: સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં ચોમાસામાંએ ઓછો વરસાદ વરસતો હોય છે, ત્યારે આ વર્ષે તો ઉનાળામાં જ મેઘરાજા સૌરાષ્ટ્રને બરોબર ધમરોળી રહ્યાં છે. કમોસમી માવઠાએ આ ઉનાળામાં સૌરાષ્ટ્રના ખેડૂતોને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, ત્યારે ફરી એકવાર ઉપલેટા અને ધોરાજીમાં એવો વરસાદ પડ્યો છે જે ચોમાસામાં પણ ભાગ્યે જ જોવા મળે છે.
આજે શનિવારે સવારે એક જ કલાકમાં ધોરાજી અને ઉપલેટામાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના લીધે નદી-નાળાં છલકાયા છે. રોડ પર પાણીની નદીઓ વહેવા લાગી છે, તો ડુંગરો પરથી ધોધ પડવા માંડ્યા છે. કમોસમી વરસાદના લીધે ઠંડક પ્રસરતા શહેરમાં વસતા લોકોએ રાહત અનુભવી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા અનેકગણી વધી ગઈ છે. ઉનાળુ પાક તલ, મગ અને બાજરીને વ્યાપક નુકસાન થવાના પગલે ખેડૂતો માથે હાથ દઈ રડવા માંડ્યા છે.
આજે સવારે ધોરાજીના કલાણા, છત્રાસા, ચિચોડ, રવની સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઈંચ વરસાદ ખબાક્યો હતો, જેના પગલે ગામડાંઓના ચેકડેમો ઓવરફલો થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાટણવાવમાં પાણી ભરાયા હતા તો ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો.
દરમિયાન ગઈકાલે સાંજથી જ ઉપલેટામાં વરસાદી માહોલ હતો. એક કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત રાજકોટ શહેર તેમજ જિલ્લામાં જસદણ અને જામકંડોરણામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જસદણના આટકોટ ગામના ખેડૂતોએ કહ્યું કે, બાજરાનો પાક બગડ્યો છે. કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર પાક પલળી ગયો છે. શિયાળુ પાકમાં નુકસાની બાદ ઉનાળું પાક બગડતા બમણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.