પણજી: ગોવાના પણજીમાં આયોજિત શંઘાઈ સહયોગ સંગઠન પરિષદ(SCO)ની મેજબાની આ વર્ષે ભારત કરી રહ્યું છે. જેમાં 4-5 મેના રોજ ગોવામાં વિદેશ મંત્રીઓની બેઠક પણ શામેલ છે. જે હેઠળ ભારતના વિદેશમંત્રી ડો.એસ જયશંકરે શંઘાઈ સહયોગ સંગઠન પરિષદની બેઠક માટે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીનું સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ જયશંકરે તેમને કાર્યક્રમ સ્થળ પર જવાનો નિર્દશ આપ્યો. બિલાવલ ભુટ્ટો અંદાજે 12 વર્ષોમાં ભારતનો પ્રવાસ કરનાર પાડોશી દેશના પહેલા વરિષ્ઠ નેતા બની ગયા છે. જો કે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ (CFM)ની બેઠકમાં ભાગ લેવા માટે ભુટ્ટો ભારતના પ્રવાસે આવ્યા છે. આ બેઠક પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવને લઈને મહત્વની માનવામાં આવી રહી છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામાબાદ દ્વારા સીમા પાર ફેલાયેલા આતંકવાદથી બંન્ને દેશોમાં તણાવ વધી ગયો છે. તેમજ વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન ડિવિઝનના પ્રમુખ સંયુક્ત સચિવ જેપી સિંહે ગોવાના એરપોર્ટ પર પાકિસ્તાનના વિદેશમંત્રીનું સ્વાગત કર્યુ હતું.
એસ.જયશંકર અને બિલાવલ વચ્ચે જોવા મળ્યું અંતર
બેઠકમાં શામેલ થવાના પહેલા વિદેશમંત્રી એસ.જયશંકર તમામ વિદેશ મંત્રીઓનું સ્વાગત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બિલાવલનું પણ સ્વાગત કર્યુ હતું. જો કે આ દરમિયાન બંન્નેની વચ્ચે અંતર જોવા મળ્યું હતું. બિલાવલ આવ્યા અને બંન્નેએ દૂરથી જ હાથ જોડી લીધા હતા. ત્યાર બાદ બિલાવલ અને જયશંકરથી દૂર ઉભા રહ્યા હતા. બંન્ને નેતાઓ વચ્ચેનું આ અંતર સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું. ફોટો લેતાં સમયે બિલાવલ અને જયશંકરની વચ્ચે અંદાજે બે ફૂટનું અંતર હતું. ત્યાર બાદ જયશંકરે બિલાવલને સ્માઈલની સાથે ઈશારો ર્ક્યો અને તેઓ તે બાજુ ચાલ્યા ગયા હતા.
આના પહેલા, ગુરુવારે ભારતીય અને પાકિસ્તાની વિદેશ મંત્રીઓની અનૌપચારિક મુલાકાત થઈ હતી. SCO ના વિદેશ મંત્રીઓની આગેવાનીમાં આયોજિત રાત્રી ભોજનમાં જયશંકરે બિલાવલ ભુટ્ટોનું સ્વાગત કર્યુ હતું. બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે ‘સલામ, ગોવા ભારતથી. હું શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ગોવા પહોંચી ગયો છું. હું મિત્ર દેશોના પોતાના સમકક્ષો સાથે રચનાત્મક ચર્ચા માટે તૈયાર છું.’