પલસાણા: પલસાણાના (Palsana) સાકી ગામે શુભવિલા સોસાયટીમાં રહેતા એક પરિવારમાં પતિ-પત્ની (Husband-Wife) વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પત્નીને ગાળો આપી ઢોર માર મારી પટાવી દેવાની ધમકી (Threat) આપી પતિ નાસી ગયો હોવાની ફરિયાદ પત્નીએ પલસાણા પોલીસમાં (Police) કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ પલસાણાના સાકી ગામે આવેલી શુભવિલા સોસાયટી ઘર નં.121માં રહેતાં પ્રિયંકા મહેશભાઈ ચીજ (ઉં.વ.19) ગઈકાલે ઘરમાં હાજર હતી, ત્યારે તેમનો પતિ મહેશભાઈ આવ્યા હતા. એ દરમિયાન પતિના પર્સમાં પ્રિયંકાબેને ચેક કરતાં પર્સમાં કોઈ મંગળસૂત્ર હતું. એ અંગે પૂછપરછ કરતાં મહેશે કોઈ જવાબ આપ્યો ન હતો. બાદ તું બહુ બોલે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી સાથે ઝઘડો કરી ઢોરમાર માર્યો હતો. અને પત્નીને ઘસડીને બહાર કાઢી મૂકી હતી. આથી છોકરાને લઈ પત્ની પિયર ચાલી ગઈ હતી. આથી ગુસ્સે ભરાયેલો મહેશ સાસરે પહોંચી ગયો હતો અને પત્ની અને સાસુને અભદ્ર ભાષા ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એ બાદ તે નાસી ગયો હતો. આ અંગે પ્રિયંકાએ પતિ મહેશ રામાભાઈ ચીજ વિરુદ્ધ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
શંકા અને વહેમ રાખી પતિનો રાત્રીના સમયે પત્ની પર કુહાડીથી હુમલો
વલસાડ : વલસાડ તાલુકાના ભદેલી ગામમાં રહેતું દંપતિ નિત્યક્રમ મુજબ જમ્યા બાદ સૂઈ ગયું હતું. જો કે, પતિને પત્ની ઉપર શંકા અને વહેમ જતો હોય રાત્રીના સમયે કુહાડી વડે પત્ની ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બૂમાબૂમ થતાં પુત્ર અને આસપાસના પડોશીઓ આવી પહોંચતા હુમલો કરનાર પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાના ભદેલી ગામ, નવી નગરી, દેસાઈ પાર્ટી ફળિયામાં ગીતાબેન મનિષભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. નિત્યક્રમ મુજબ પરિવાર રાત્રીના જમ્યા હતા અને સૂઈ ગયા હતાં. જો કે, ગીતાબેનના પતિ મનિષને તેની ઉપર વહેમ અને શંકા રાખતો હોય રાત્રીના સમયે ઘરમાં મૂકેલી કુહાડી વડે તેની ઉપર અચાનક જ હુમલો કરી દીધો હતો. જે હુમલા બાદ બૂમાબૂમ થતાં પુત્ર પરેશ અને પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતાં. હુમલો કરનાર મનિષ કુહાડી લઈ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત ગીતાબેનને ખાનગી વાહન દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગેની પોલીસ ફરિયાદ પુત્ર પરેશ રાઠોડે પિતા સામે નોંધાવી હતી.