SURAT

કાપોદ્રાના જ્વેલર્સને ટપોરી પાસે પ્રોટેક્શન માંગવાનું ભારે પડ્યું, 50 લાખની ખંડણી માંગી અને ઘરમાં ઘુસી..

સુરત : કાપોદ્રા વિસ્તારમાં જ્વેલરી શોપ ધરાવનાર પાસે અડધો કરોડની ખંડણી માંગનાર ટપોરી સામે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ ઘટનાની ફરિયાદ કરનાર જ્વેલર્સ અને ખંડણી માંગનાર ટપોરી બંને એક લૂંટના કેસમાં સહ આરોપીઓ હતાં. ફાયનાન્સરની દાદાગીરીથી બચવા તેમણે આ ટપોરીનો સહારો લીધો હતો અને તેણે જ તેમને મારી નાંખવાની ધમકી આપવાની શરૂ કરતાં અંતે મામલો પોલીસમથકનાં પહોંચ્યો હતો.

યોગીચોક ખાતે જોલી એન્ડ સન્સ નામની જ્વેલરી શોપના ઝવેરીએ ટપોરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી

કાપોદ્રા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ખંડણીની આ ફરિયાદ ચેતન ઉર્ફે જોલી ધીરૂભાઇ સુખડિયા (ઉ. વર્ષ 36 ધંધો વેપાર રહેવાસી સ્વાતી સોસાયટી, ચીકુવાડી, નાના વરાછા) દ્વારા કરવામાં આવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ યોગીચોક ખાતે તેમના સાઢુભાઇ સાથે જોલી એન્ડ સન્સના નામથી જ્વેલરી શોપ ધરાવતાં હતાં.

તે સમયે પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજય જોષી તેમને ધંધામાં ફાયનાન્સ કરતાં હતાં અને ફાયનાન્સના મુદ્દે વારંવાર તેમનો ઝગડો થતો હતો. દરમિયાન દોઢ વર્ષ પહેલા વિજય જોષી તેમને મારવા માટે આવી રહ્યાં હોવાની વાત તેમને મળતાં તેમણે તેમના એક મિત્ર મનિષ રૈયાણીને કહીને પ્રોટેક્શન માંગ્યું હતું.

રૈયાણીએ પ્રોટેક્શન માટે ઋષિ પંડિત નામના ટપોરીને મોકલ્યો હતો. તેઓ બંને યોગીચોક ખાતે આવેલી વિજય જોષીની સાઇ જ્વેલર્સ નામની દુકાનમાં પહોંચ્યા હતાં. તે સમયે વિજયભાઇ દુકાનમાં જ હતાં અને બંને વચ્ચે બોલાચાલી થતાં ઋષિ પંડિતે વિજયભાઇને ચાકુ મારી દીધુ હતું અને ફરાર થઇ ગયો હતો.

આ અંગે તેમની સાથે લૂંટનો ગુનો દાખલ થતાં તેમણે એક વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું જ્યારે ઋષિ પંડિત એક વર્ષથી વોન્ટેડ હતો. તેમનું વિજયભાઇ સાથે સમાધાન થઇ જતાં હાઇકોર્ટમાં ફરિયાદ ક્વોસ થઇ ગઇ હતી અને તેઓ જેલમાંથી છૂટી ગયા હતાં.

તેમણે ફરીથી દુકાન ચાલુ કરતાં ઋષિ પંડિતે તેમને ધમકી આપવાની શરૂઆત કરી હતી અને એક તારા કારણે મારે એક વર્ષથી શહેર છોડવું પડ્યું છે અને મે ખર્ચના 50 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. એટલે તેમણે ફરીથી મનિષ રૈયાણીનો સંપર્ક કરતાં 12 લાખમાં સમાધાન થયું હતું.

તેમની પાસે 12 લાખ રોકડા નહીં હોવાથી કામરેજમાં આવેલા ફ્લેટનો દસ્તાવેજ કરવા કહ્યું હતું પરંતુ ઋષિ પંડિતે ફ્લેટ લેવાની ના પાડી દીધી હતી. જો કે, તેમની પાસે રોકડા રૂપિયાની સગવડ નહીં થતાં ઋષિ પંડિત તેમને વારંવાર ફોન કરીને ધમકાવતો હતો.

તેથી તેમણે તેને બ્લોક કરી દેતા ઋષિ પંડિત અન્ય ત્રણ ટપોરી સાથે તેમના ઘરે પહોંચી ગયો હતો અને તેમના પિતા, માતા અને પત્નીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ઋષિ પંડિત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટપોરી ઋષિ પંડિત અને ત્રણ અજાણ્યા સામે ખંડણીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top