સુરત: (Surat) પોતાની ગાયકી માટે હમેશા વિવાદોમાં રહેનાર અલ્તાફ એટલેકે એમસી સ્ટેન (MC-Stan) નો 30 એપ્રિલ રવિવારના રોજ સુરત ખાતે યોજાનાર શો (Show) તાબડતોબ રદ્ કરી દેવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ્ કરવા પાછળનું કારણ છે વિશ્વ હિંદુ પરિષદનો સખત વિરોધ. જણાવી દઈએ કે સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે રવિવારે આ કાર્યક્રમ યોજાનાર હતો.
- વિશ્વ હિંદુ પરિષદના વિરોધને પગલે સુરતમાં MC-Stanનો કાર્યક્રમ રદ્
- સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે યોજાનાર એમસી સ્ટેનનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ્ કરી દેવાયો
- તેના ગીતોમાં વિવિધ ધર્મો બાબતે અપમાનજનક સામગ્રીને કારણે દક્ષિણ ગુજરાત વિશ્વ હિંદુ પરિષદે કર્યો વિરોધ
મહારાષ્ટ્રના પૂણે મૂળના ભારતના સૌથી ઝડપથી વિવાદોમાં આવનાર હિપ-હોપ અને રેપ સંગીતકારોમાંના એક અલ્તાફ તડવી એટલેકે અલ્તાફ શેખ એટલેકે એમસી સ્ટેનનો કાર્યક્રમ 30 એપ્રિલે સુરત ખાતે યોજાનાર હતો. દેશી હિપ-હોપ દ્વારા તે પોતાના ગીતોમાં વિવિધ વિષયો પર કટાક્ષ પ્રસ્તુત કરતો હોવાને કારણે યુવાઓમાં પ્રખ્યાત છે. જોકે તે જેટલો પ્રખ્યાત છે તેટલો જ વિવાદાસ્પદ હોવાનું પણ લોકો કહે છે. દરમ્યાન સુરતમાં ઠાકોરજીની વાડી, વેસુ, વીઆઈપી રોડ ખાતે તેના કાર્યક્રમનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સખત વિરોધ કરાયો હોવાને પગલે કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો છે.
વિશ્વ હિંદુ પરિષદ, દક્ષિણ ગુજરાતના સંયોજક દિનેશ નાવડિયાએ આ અંગે જણાવ્યું હતું કે અમે કાર્યક્રમના આયોજકોને કાર્યક્રમ રદ્ કરવા બાબતે જણાવ્યું હતું અને તેઓએ અમારી લાગણીને સમજીને કાર્યક્રમ રદ્ કરવાનો નિર્ણય લીધો છે. નાવડિયાએ જણાવ્યું કે એમસી સ્ટેનની ગાયકીમાં ઘણી વલ્ગારિટી હોય છે. તેના રેપ સંગીતમાં અશોભનીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં ઘણીવાર તે કેટલાક ધર્મો પ્રત્યે પોતાના સંગીતમાં કટાક્ષ કરે છે. જેના કારણે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સુરતમાં કાર્યક્રમનું આયોજન કરવા બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે સ્ટેન કેટલાક ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યો હતો જેના કારણે તેની અટકાયત થઈ હતી અને જેલ પણ થઈ હતી. તેના ગીતોની અપમાનજનક સામગ્રી માટે તેની ઘણી ટીકા થાય છે. તે 2022 માં રિયાલિટી ટીવી શો BIGG BOSSમાં જોવા મળ્યો હતો તે બિગબોસ સિઝન 16 નો વિનર પણ રહ્યો હતો.