આજના સમયમાં એજ્યુકેશન પણ મોંઘું છે અને જોબ મળવી પણ મુશ્કેલ છે. આવા સમયમાં દરેકને પોતાની મનગમતી જોબ મળે જ એવું જરૂરી હોતું નથી જ્યારે કેટલાંક કિસ્સામાં મનગમતી જોબ હોય તો પણ અમુક કારણોસર એ જોબ છોડીને બીજો વ્યવસાય અપનાવવો પડે એવા કિસ્સાઓ પણ બનતાં હોય છે. જાણીતી મૂવી 3 ઈડિયન્સની જ વાત કરીએ તો એમાં એ જ સંદેશો આપવામાં આવ્યો છે કે, ‘આપણે એવા કામ કરવા જોઈએ જે આપણને ગમે.’ દરેક જગ્યાએ ફિલ્મી દુનિયા જેવું તો ન જ ચાલે, પણ તેમ છતાં અમુક લોકો પરિસ્થિતીને બદલીને પણ પોતાના શોખને અનુરૂપ કામ કરતાં હોય છે. તો આજે આપણે કેટલાંક એવા સુરતીઓ સાથે મુલાકાત કરીશું જેઓએ ડિગ્રી મેળવીને જોબ પણ મેળવી હોય અને પછી શોખ કે કોઈક બીજા કારણસર અન્ય ક્ષેત્રમાં કાઠું કાઢ્યું હોય.
ફોટોગ્રાફી માટે જાણીતી કંપનીની જોબ છોડી: સૌરભ દેસાઇ
મિકેનિકલ એંજિનિયરની ડિગ્રી મેળવીને હાલમાં ફોટોગ્રાફી ક્ષેત્રે ઊંચી નામના મેળવી ચૂકેલા જાણીતા ફોટોગ્રાફર સૌરભ દેસાઇ જણાવે છે કે,’’ ડિગ્રી મેળવ્યા બાદ મને શહેરની ટોપની કંપનીમાં જોબ મળી ગઈ હતી. 7 વર્ષ જોબ કરી પણ મારી અંદરનો ફોટોગ્રાફર બહાર આવવા માટે તલપાપડ હતો. આમ તો મને બાળપણથી જ એડ્વેંચર સ્પોર્ટ્સ અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ હતો જ. એટલે જોબ છોડયા બાદ મીડિયા ફોટોગ્રાફી સ્કૂલ શરૂ કરી જેમાં 1 વર્ષનો ફોટોગ્રાફી કોર્સ પણ ચાલુ કર્યો કારણ કે આપણાં શહેરમાં ફોટોગ્રાફી શીખવા માટે એકપણ સ્કૂલ ન હતી. જો કે મારા આ નિર્ણયની ફેમિલી સહિત ઘણાં લોકોએ ટીકા કરી અને જોબ છોડવા માટે ઠપકો પણ આપ્યો પરંતુ તેમ છતાં હું આગળ વધતો રહ્યો અને આજે હું જાણીતી કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર છુ, ઘણાં એવોર્ડો પણ મળી ચૂક્યા છે એટલે લોકોનું મારા તરફનું વલણ બદલાઈ ગયું. મારી સ્કૂલની વાત કરું તો છેલ્લા 2 વર્ષમાં ફોટોગ્રાફીને એક વ્યવસાય તરીકે સ્વીકારવા માટે હવે અવેરનેસ આવી છે અમારા સ્ટુડન્ટ પાછળ ન પડે એ માટે ફોટોગ્રાફીને બિઝનેસમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એનું ગાઈડ્ન્સ પણ આપીએ છીએ.’’
ફેમિલી માટે વ્યવસાય બદલ્યો: રાકેશ પટેલ
9-10 વર્ષ સુધી ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત રહ્યા અને પછી વાઈફની હેલ્થને ધ્યાનમાં રાખી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઝંપલાવનાર ડો.રાકેશભાઈ પટેલ કહે છે કે, મારી પ્રેક્ટિસ તો સારી ચાલતી હતી પરંતુ એ દરમિયાન મારી ફિઝિયોથેરપિસ્ટ વાઈફને ઓટો ઇમ્યુન ડિસ ઓર્ડરની બીમારી થઈ. આ બીમારીમાં મારે વાઈફને ફૂલ ટાઈમ આપવો પડે એમ હતો અને ડોક્ટર તરીકે હું આમ કરી શકું એમ ન હોવાથી મેં ક્લિનિક બંધ કરવાનું નક્કી કર્યું. ક્લિનિક બંધ કર્યા બાદ મારા મિત્રોના સપોર્ટથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું જેમાં ખાસ્સી સફળતા મળી. જો કે, મેડિકલ લાઇન છોડવાનો ક્યારેક અફસોસ થાય અને હાલમાં તો મારી વાઈફની તબિયત પણ સારી છે પરંતુ બીમારી એવી છે જે ક્યારેક પણ ઊથલો મારી શકે છે એટલે હવે રિયલ અસ્ટેટમાં જ આગળ વધવા માટે મન બનાવી લીધું છે.’’
ઇવેન્ટ મેનેજમેંટનો બિઝનેસ બંધ કરી યોગ ગરબા સ્ટાર્ટ કર્યા: એનીશ રંગરેજ
MBAની ડિગ્રી મેળવ્યા બાદ હાલમાં સુરતીઓને યોગ ગરબાના તાલે નચાવતા એનીશ રંગરેજ કહે છે કે, ‘’MBA ની ડિગ્રી મેળવ્યા બાદ મે ઇવેંટ મેનેજમેંટનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો પણ મને ગરબામાં વધુ ક્રેઝ હતો. એટ્લે મે કઈક અલગ કરવાનું વિચાર્યું અને 10 વર્ષ સુધી ગરબાને યોગ સાથે કનેક્ટ કરીને કેવી રીતે બેક પેઇન કે નેક પેઇન જેવા રોગો મટાડી શકાય એ અંગે રિસર્ચ કર્યું. આ રિસર્ચમાં કેટલાક ડોક્ટરો પણ સાથે જોડાયા અને આજે મારી પાસે યોગ ગરબાના ક્લાસમાં 20 વર્ષથી માંડીને 60-70 વર્ષની ઉંમરના લોકો પણ આવે છે. આ નવા પ્રયોગથી ઘણાને દર્દમાં રાહત મળી છે જે મારા માટે સક્સેસથી ઓછું નથી.’’
પોલીસની વર્દી માટે ઉંચા પગારની નોકરી છોડી : દીપકભાઇ ગોર
હાલમાં સુરત રેલ્વે ડિવિઝનમાં dysp તરીકે ફરજ બજાવતાં દિપકભાઈ ગોરની વાત પણ રસપ્રદ છે. હાલમાં જ્યારે જોબ માટે પૈસા જ સર્વસ્વ ગણાય છે ત્યારે દીપકભાઇએ પોતાના શોખને પ્રાધાન્ય આપ્યું હતું. દીપકભાઈ ગોર કહે છે કે, કોલેજમાં પાર્ટ ટાઈમ એક જાણીતી પેજિંગ કંપનીમાં જોબ કર્યા પછી HRમાં મેનેજમેંટ કર્યું અને 6 વર્ષ સુધી એક જાણીતી કોર્પોરેટ કંપનીમાં કામ કર્યું પણ પોલીસનો યુનિફોર્મ પહેરવાનો મને ક્રેઝ હતો, એ દરમિયાન મેં ડાયરેક્ટ સબ ઈન્સ્પેકટર તરીકેની ભરતી માટે એપ્લિકેશન જોઈ અને એપ્લાઈ કરી દીધું. નસીબજોગે મારૂ સપનું પૂરું થયું અને આ માટે મે મારી 24000 રૂપિયાની જોબ છોડીને 8000 રૂપિયાના નજીવા દરની નોકરી સ્વીકારી. જો કે બાદમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી, અને આજે હું સુરત રેલ્વે ડિવિઝનમાં dysp તરીકે સેવા આપું છુ. આ ઉપરાંત પણ સુરતમાં PI તરીકે કામ કરી ચૂક્યો છુ, અને આ મારા સપનાની જોબ હોવાથી હું ખુશીથી મારી જોબ પ્રત્યે વફાદાર રહી શકું છુ.’’