એક સમાચાર પ્રમાણે શહેરમાં પહેલા એક અઠવાડિયામાં એક – બે નાટક ભજવાતાં, હવે મહિને માંડ એક ભજવાય છે. આનાં બીજાં કારણો પણ હોઈ શકે પરંતુ મુખ્ય કારણ ગાંધી સ્મૃતિ ભવન જે તોડી પાડવામાં આવ્યું છે અને હવે ક્યારે પાછું કાર્યરત થશે તે અંગે કંઇ કહી શકાય તેમ નથી તે છે. ગાંધી સ્મૃતિ ભવન દરેક શહેરીજનો માટે એક અત્યંત અનુકૂળ અને આદર્શ સ્થળ હતું. કોણ જાણે કેમ પણ સુરત મહાનગરપાલિકા આ બાબતે બિલકુલ ઉદાસીન વર્તન દાખવી રહી છે. પાલ ખાતે આવેલું સંજીવકુમાર ઓડિટોરિયમ અને વરાછા ખાતે આવેલું સરદાર ભવન ભલે સારા છે પણ શહેરીજનોને બહુ ઓછા માફક આવે છે અને પરિણામે શહેરમાં ભજવાતાં નાટકોની સંખ્યા ઘટી ગઈ છે. અન્ય કારણો કરતાં મુખ્ય કારણ આ છે તે નિર્વિવાદ હકીકત છે. જો પહેલાંની જેમ આ શહેરમાં નાટકો ભજવાતાં થાય એવી પરિસ્થતિનું નિર્માણ કરવું હોય તો વહેલામાં વહેલી તકે ગાંધી સ્મૃતિ ભવનનું બાંધકામ શરૂ થવું જરૂરી છે.
સુરત- સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જૂનાં ગીતોની યાદ
સમય જતાં વાર નથી લાગતી.કયાં ટેપ રેકોર્ડરમાં કેસેટ નાંખીને ગીતો સાંભળવાની મજાથી સી.ડી. પ્લેયર અને પછી પેન ડ્રાઈવ અને આજે મોબાઇલમાં નિત નવી એપ્લિકેશન. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી ગઈ હોય, પણ ગીતો જે સાંભળવા ગમે,જે ગણગણવાં ગમે, ગીતો જે વગાડતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય.ગીતો જેના અતંરા, મુખડા કે પછી એક એક કડી આપણા પોતાના જ જીવન માટે એ ગીત ગવાયું હોય તેવો અહેસાસ કરાવી જાય. આવાં જૂનાં ગીતો “જિંદગી કી ના તૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી”, “એક દિન બીક જાયેગા માટી કે મોલ જગ મેં રેહ જાયેંગે પ્યારે તેરે બોલ”, “ઝીલ મીલ સિતારોં કા આંગન હોગા”, અને આવાં તો અનેક ગીતો. સાચે જ આવાં ગીતો લખનાર, ગાનાર, સંગીતકાર બધા જ લાખ લાખ વંદનના હકદાર છે. ભાગ્યશાળી છીએ આપણે કે આવા અનમોલ સંગીતનો ખજાનો છે આપણી પાસે.તો આજે બધી ચિંતા મૂકીને મોજથી જૂનાં ગીતો સાંભળી જૂની યાદોને તાજી કરો.
સુરત- કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.