છત્તીસગઢ: છત્તીસગઢનાં (Chhattisgarh) દંતાવાડામાં નક્સલીઓએ મોટો હુમલો (Attack) કર્યો છે. નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ (IED Blast) કર્યા છે. જાણકારી મળી આવી છે કે આ વિસ્ફોટમાં 11 જવાનો શહીદ થયા છે. શહીદોમાં 10 ડીઆરજીના જવાન છે, જ્યારે એક ડ્રાઈવર છે. બ્લાસ્ટ બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં CRPF જવાનોને મોકલવામાં આવ્યા છે. આ હુમલામાં કેટલાક નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. આ મામલો જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દંતેવાડાના અરનપુરમાં નક્સલીઓએ આ બ્લાસ્ટ કર્યો છે. દંતેવાડાના અરનપુર વિસ્તારમાં નક્સલવાદીઓ છુપાયા હોવાના સમાચાર પહેલાથી જ મળ્યા હતા. આ માહિતી પર દંતેવાડાથી ડીઆરજી દળો નક્સલ વિરોધી ઓપરેશન માટે અરનપુર ગયા હતા. સર્ચ ઓપરેશન બાદ તમામ જવાન પરત ફરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 11 જવાનો શહીદ થયા હતા.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ હુમલા પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું- છત્તીસગઢમાં નક્સલી હુમલામાં અમારા જવાનો શહીદ થયા. નક્સલવાદીઓનું આ કાયરતાપૂર્ણ કૃત્ય ખૂબ જ હેરાન કરનારું છે. તમામ સરકારોએ નક્સલવાદને કચડી નાખવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, તેમના આત્માને શાંતિ મળે!
આ હુમલા અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે નક્સલવાદીઓ સામે કડક પગલા લેવામાં આવશે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે. આયોજનબદ્ધ રીતે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે.
ત્યારે આ હુમલા પછી રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે ભૂપેશ બઘેલ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.
ગૃહમંત્રી અમિત શાહે આ હુમલા અંગે સીએમ બઘેલ સાથે વાત કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. 2017-18માં કેન્દ્ર સરકારે નક્સલવાદનો સામનો કરવા માટે છત્તીસગઢને 92 કરોડ રૂપિયા આપ્યા હતા, જે 2020-21માં વધારીને 140 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ વર્ષે માર્ચમાં બસ્તરમાં હતા, તેઓ પણ પૂર્વ આયોજન વિના નક્સલવાદીઓના ગઢ ગણાતા સુકમા પહોંચ્યા હતા. તે અહીં જવાનોને મળ્યા હતા. આ પછી તે એક ગામની સરકારી શાળામાં પહોંચ્યા અને ત્યાં બાળકોને ભણાવવા લાગ્યા હતા.