તા.૧૫ એપ્રિલ ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પહેલા પાના પર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે મોતની સજાનો સામનો કરતાં દોષિતો દયાની અરજીના નિકાલમાં થતા વિલંબનો લાભ ઉઠાવી રહ્યા છે. દયાની અરજીઓ પર વહેલો નિર્ણય લઇને તેનો વહેલો નિકાલ લાવવા રાજ્યો અને સંલગ્ન સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. હવે જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી જે ગુનેગારને ફાંસીની સજા થઈ હોય અને તમામ પ્રક્રિયા પતી ગઈ હોય તો તેણે છેવટના હુકમના સાત દિવસની અંદર રાષ્ટ્રપતિને દયાની અરજી કરવાની હોય છે. સાત દિવસની સમયમર્યાદામાં એક વાર રાષ્ટ્રપતિને દયાની અરજી થઇ જાય પછી તે અરજીનો નિકાલ કરવા માટે કોઈ સમયમર્યાદા હોતી નથી. પણ એ નિર્ણય રાષ્ટ્રપતિએ કરવાનો હોય છે તો દયાની અરજીઓ પર વહેલો નિર્ણય લઇને તેનો વહેલો નિકાલ લાવવા રાજ્યો અને સંલગ્ન સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે એ વાત કંઈ સમજમાં આવી નહીં. કોઇક કાયદાના જાણકાર આ બાબતમાં યોગ્ય પ્રકાશ પાડે તો સારું.
સુરત- સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
છેવાડાના નાગરિકની આવક /કમાણી વધે તેવા સંજોગો ઉજળા છે?
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા ગ્રહણ કરતાંની સાથે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નું સૂત્ર આપ્યું હતું. આમ પણ એકલા હાથે કોઈ કામ પાર પાડવું અશક્ય છે. સૌના સાથ વગર વિકાસ અને તે પણ ભારતમાં? દેશમાં પહેલેથી જ દરેક ક્ષેત્રમાં અસમાનતા પ્રવર્તે છે તેમ છતાં ભારતની ઇકોનોમી વિશ્વની પાંચમા ક્રમની હોવા છતાં ભારતની માથા દીઠ આવક આફ્રિકાના દેશો કરતાં ઓછી હોવાનાં કારણો શોધવાની જરૂર છે. દેશમાં અંબાણી, અદાણી બધા નથી બની શકવાના અને જરૂરી પણ નથી, પરંતુ દેશના યુવાધનને રોજગારી તો મળી રહે તેવું આયોજન કરવું ખૂબ જરૂરી છે.
તાજેતરના અહેવાલ મુજબ યુવાનો સહિત વૃધ્ધોની સંખ્યા વધુ છે અને આવતાં 30 વર્ષ સુધી વસ્તીમાં ઘટાડો થવાનાં કોઈ ચિહ્નો જણાતાં નથી ત્યારે છેવાડાનો માનવી છેવાડે જ ન રહે અને આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેમ જ દરેક નાગરિક આવકનાં ટાંચાં સાધનો હોવાના લઇ પોતાનું મહામૂલ્ય જીવન બરબાદ ન કરે. આવક વગરનું જીવન જીવવું જ ખૂબ કપરું છે. સરકારે આરોગ્ય અને શિક્ષણ દરેક વર્ગ માટે ફ્રી કરવાની જરૂર છે કેમકે હાલ એવા સંજોગો છે કે શિક્ષણ અને આરોગ્યને વેપાર અને કમાણીનું સાધન બનાવી દીધું છે ત્યારે છેવાડાનો માનવી આ બધું કઈ રીતે પહોંચી વળે? અસમાનતા તો નાબૂદ થવી જ જોઈએ, ધનવાન, ધનવાન જ બને અને ગરીબ, ગરીબ જ રહે તો પછી વિકાસ કેવો કહેવાય? તારીખ 22-04-23ના તંત્રી લેખમાં આ બાબતે ખૂબ વિગતે છણાવટ કરી છે તે યોગ્ય છે.
સુરત- ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.