ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના ઉપલપાડા ગામનો (Village) યુવાન પોતાની બાઈક (Bike) લઈ ધરમપુર ખાતે કામકાજ અર્થે આવી રહ્યો હતો. દરમિયાન વિલ્સન હિલ (Wilson Hill) ઘાટ ઉતરતી વેળાએ અચાનક બાઈક ઉપરથી તેણે કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઉપલપાડા ગામનાં જોગારી ફળીયાનો રહીશ નીતિન ગુલાબ જોગારી (ઉવ.18) પોતાની બાઈક પર ધરમપુર આવી રહ્યો હતો. ત્યારે વિલ્સન હિલ ઘાટ ઉતરતી વખતે પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા તેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. બાઇક ચાલક નીતિન જોગારીને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની ફરિયાદ ગુલાબ જોગારીએ ધરમપુર પોલીસ મથકે આપતાં વધુ તપાસ પીએસઆઇ પ્રજાપતિ કરી રહ્યા છે.
ખેરગામ પણજના માજી સરપંચનું માર્ગ અકસ્માતમાં મોત
ખેરગામ: ખેરગામના પણજ ગામના મોટી કોલવડ ફળિયા ખાતે રહેતા માજી સરપંચ અંબુભાઈ જીવનભાઈ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેઓ પોતાની પત્ની સાથે તેમની બાઇક ઉપર આછવણી ગામેથી ખેરગામ પાણીખડક રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન સામેથી દીપેશ ગૌતમ પટેલ નામનો યુવક પુરઝડપે બાઇક હંકારી આવતા અંબુભાઈની બાઇકને જોરદાર ટક્કર લાગતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં અંબુભાઈ તથા તેમના પત્ની સવિત્રીબેન બંને રસ્તા ઉપર પટકાયા હતા. બંનેને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા અંબુભાઈ ધોડિયા પટેલનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ફરિયાદ મૃતક અંબુભાઈ પટેલના પુત્ર બીપીનચંદ્ર પટેલે ખેરગામ પોલીસ મથકે આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કરણ ગામે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં એકનું મોત
પલસાણા: પલસાણાના બલેશ્વર ગામની સીમમાં અવધ સાંગ્રીલા ખાતે રહેતો એક ઇસમ ગત સોમવારે મોપેડ લઇ નેશનલ હાઇવે નં.૪૮ ૫૨થી ચલથાણ આવી રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહનચાલકે કરણ ગામની સીમમાં એડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ ઉપર આવેલા અવધ સાંગ્રીલામાં રહેતા યુધીરનાથ રજીન્દર નાથ ગત સોમવારે તેમનું મોપેડ નં.(જીજે ૧૬ સીઆર ૪૪૭૨) લઇ તેમના કામ અર્થે ચલથાણ ગામે જવા નીકળ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં.૪૮ પર કરણ ગામની સીમમાં વિજય હોટલની સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વાહનચાલકે વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજા થઈ હતી. જેને લઇ તેમને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સા૨વા૨ બાદ મોત નીપજ્યું હતું. આ અંગે પલસાણા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.