વડોદરા: વડોદરાની વિશ્વામિત્રી દિવસે દિવસે પ્રદુષિત થઈ રહી છે.ત્યારે શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપથી જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફ જવાના માર્ગે આવેલ વિશ્વામિત્રી નાળામાં ગંદકીની ભરમાર જોવા મળી છે.ચિકન મટનના કોઈ વેપારી દ્વારા તેમાં દરરોજ માંસનો કચરો ઠાલવતા સ્થાનિક રહીશો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્માર્ટ સીટીની રેસમાં દોડ લગાવી રહેલ પાલિકા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી નહીં થતા ગંદકી કરતા તત્વો બેફામ બન્યા છે.માત્ર નાના વેપારીઓ પાસેથી દંડ વસૂલી કામગીરી કરી સંતોષ માણવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે.અગાઉ પણ ઘણી વખત વિશ્વામિત્રીને પ્રદુષિત થતી અટકાવવા અનેક સંગઠનો, જાગૃત નાગરિકો સામે આવ્યા હતા અને હજીએ લડત ચાલુ છે.ત્યાંતો હવે વિશ્વામિત્રી નાળામાં પણ ગંદકીની ભરમાર જોવા મળી છે.કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપથી ડીઓ કચેરી તરફ જવાના માર્ગે આવેલા વિશ્વામિત્રી ગરનાળા પરથી પસાર થવું વાહનચાલકોને મુશ્કેલરૂપ બન્યું છે.આ વિશ્વામિત્રી ગરનાળામાં કોઈ વેપારી દ્વારા પોતાની દુકાનનો માંસ મટનનો કચરો નાખવામાં આવી રહ્યો છે.બપોરના સુમારે ગરમીમાં તેની તેજ દુર્ગંધથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.ઘણા લોકોના ઘરોમાં બાળકો સાથે વૃદ્ધો પણ બીમાર પડ્યા હોવાનું સ્થાનિક રાહીશોનું કહેવું છે.
આ અંગે સ્થાનિક રહીશોએ વહીવટી વોર્ડ કચેરીમાં ઘણી વખત રજૂઆત કરી છે.પરંતુ આજે આવીશું કાલે આવીશું કહી અધિકારીઓ રજૂઆત સામે આંખ આડા કાન કરી રહ્યા છે.એક તરફ સ્વચ્છતાની વાતો થઈ રહી છે.તો બીજી તરફ અધિકારીઓજ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.વિશ્વામિત્રી ગરનાળામાં અસહ્ય ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો.તેમજ વિસ્તારના કોર્પોરેટરો સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
વિશ્વામિત્રી નદીમાં માંસ ફેંકનાર સામે સ્થાયી અધ્યક્ષ આકરા પાણીએ : આકરા દંડની કાર્યવાહી કરાશે
વડોદરાની પવિત્ર નદીમાં માસ મટન, હાડકા ફેંકનાર સામે પાલિકાના સ્થાયી સમિતિ ના ચેરમેન આકરા પાણી એ જોવા મળ્યા હતા. “ગુજરાતમિત્ર “સાથેની વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી એ એક ઋષિ મુનિએ નદીના કિનારે તપ કરેલી તપોભૂમિ છે. આવી પવિત્ર નદી માં અથવા તેના કાંઠે મટન માસ ફેંકવું તે કદાપિ ચલાવી લેવાય નહીં. આ તો હવન માં હાડકા નાખવા બરાબર છે. તેની તપાસ થઇ રહી છે. આવુ કરનાર પાસે થી આકરો દંડ વસુલવા માં આવશે. -હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન
મટન ફેંકનારાએ પાલિકાએ લગાવેલી જાળી તોડી નાખી
સ્વચ્છતાની વાતો કરતા પાલિકા તંત્રને ગંદકી કરતા તત્વોની લપડાક પડી છે.વિશ્વામિત્રી નદીમાં કોઈ કચરો ફેંકે નહીં તે માટે લોખંડની જાળી લગાવવામાં આવી હતી.પરંતુ કોઈ તત્વએ પોતાનો આ માસ મટનનો એઠવાડો દરરોજ ઠાલવવા માટે તંત્રએ લગાવેલી જાળી જ કાપી નાખી છે.ત્યારે શું હવે પાલિકા તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે કેમ? તેવા સવાલ પણ ઉઠ્યા છે.
માંસ-મટન ફેંકવાના કારણે માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ
વિશ્વામિત્રી નાળામાં માંસ મટનની ગંદકી છેલ્લા કેટલાક દિવસથી નાખી જાય છે.જેના કારણે ખૂબ દુર્ગંધ ફેલાઈ છે.નાના બાળકો પણ બીમારીમાં સપડાયા છે.આ અંગે સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ કચેરીમાં પણ રજૂઆત કરી છતાં કોઈ ફરકતું નથી.આ માંસનો એઠવાડો અહીં નાખવામાં આવતા મગર આવતા થયા છે.બાળકો અહીં રમતા હોય છે જો કોઈ જાનહાની થશે તો જીમેંદાર કોણ ? ચૂંટણી વખતે મત માંગવા આવે છે અને આજે ઘણા દિવસોથી અહીં આ સમસ્યા છે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી.
-ભૂમિકા રાજપૂત,સ્થાનિક રહીશ