નવી દિલ્હી: અમેરિકન એરલાઇન્સની (American Airlines) ફ્લાઇટમાં ન્યૂયોર્કથી (New York ) દિલ્હી (Delhi) જઈ રહેલા એક ભારતીયને અહીંના એરપોર્ટ પર તેના સહ-મુસાફર પર કથિત રૂપે પેશાબ (Urine) કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એમ સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે, આરોપી ભારતીય મુસાફરને એરલાઇન્સના સ્ટાફે દારૂના નશામાં હોવાનું જણાવ્યું હતું અને તેણે દલીલ દરમિયાન તેના સહ-મુસાફર પર પેશાબ કર્યો હતો. આ ઘટના અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ એએ 292માં બની હતી અને રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પ્લેન ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઈજીઆઈ) એરપોર્ટ પર ઊતર્યા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) દ્વારા કથિત અનૈતિક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ ત્રીજી માર્ચે પણ આ વિમાનમાં નશામાં એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકી યાત્રી પર પેશાબ કર્યો હતો.
પીડિત મુસાફરે એરલાઇન્સમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. એમ સૂત્રોએ જણાવ્યું હતું. કેરિયરે લેન્ડિંગ પહેલા દિલ્હી એરપોર્ટને આ બાબતની જાણ કરી હતી અને તેમાં સામેલ બંને મુસાફરોને બાદમાં દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલામાં નોન-કોગ્નિસેબલ ગુના હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. એરલાઇન્સ સ્ટાફ દ્વારા પેસેન્જરના બેફામ વર્તન અંગે આપવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (એરપોર્ટ) દેવેશ કુમાર માહલાએ જણાવ્યું હતું કે, ”કોઈએ તેમના પર પેશાબ કર્યો હોવા અંગે સહ-યાત્રીઓ દ્વારા આપવામાં આવેલ કોઈ પુરાવા કે ફરિયાદ નથી.”
તાજેતરના ભૂતકાળમાં મુસાફરો દ્વારા દારૂ પીધા પછી કથિત રીતે સહ-યાત્રીઓ પર પેશાબ કરવાના ઘણા બનાવો નોંધાયા છે. ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઇન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં એક નશામાં ધૂત વ્યક્તિએ કથિત રીતે તેની મહિલા સહ-યાત્રી પર પેશાબ કર્યો હતો. આ મામલો જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યો હતો અને થોડા દિવસો પછી દિલ્હી પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. એર ઇન્ડિયાએ તેમના પર 30 દિવસનો પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો હતો. આવી બીજી ઘટના 6 ડિસેમ્બર, 2022 ના રોજ એર ઇન્ડિયાની પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં સવારમાં નોંધવામાં આવી હતી જ્યારે એક મુસાફરે કથિત રીતે ખાલી સીટ અને સાથી મહિલા પેસેન્જર જ્યારે તે શૌચાલયમાં ગઈ ત્યારે તેના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો.