સુરત : પીપલોદ ખાતે રહેતી મહિલાના પતિએ તેના નામે ઉઘનામાં પ્લોટ લીધો હતો. આ પ્લોટ પતિના મિત્ર અને તેની પત્નીએ પચાવી પાડ્યો હતો. જે અંગે ઉઘના પોલીસે ફરિયાદ નોંધી હતી. જ્યારે ગોડાદરા ખાતે માનસરોવર સોસાયટીમાં આવેલો ફ્લેટ ઉપર તાળુ તોડીને કબજો કરનાર સામે પણ લેન્ડ ગ્રેબિંગહેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પીપલોદ ખાતે મેઘધારા બંગ્લોઝમાં રહેતી 45 વર્ષીય કવિતાબેન ચેતનભાઇ હસમુખલાલ પંચોલીએ ઉધના પોલીસ સ્ટેશનમાં નિશા વિનોદ શ્રીવાસ્તવ, વિનોદ લક્ષ્મણભાઇ શ્રીવાસ્તવ (બંન્ને રહેવાસી. બી/૧૨૦૩ શાશ્વત બિલ્ડીંગ મઢીની ખમણી પાસે ઉધના) ની સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ઉધના વિસ્તારમાં ચંદ્રદીપ કો.ઓ.હા.સો.લી. માં આવેલા બ્લોક નં.૫ ના પ્લોટો પૈકી પ્લોટ નં.૧૨ વાળી મિલકત ઉપર વર્ષ 2017 થી નિશા અને તેના પતિ વિનોદ શ્રીવાસ્તવે વિશ્વાસઘાત કરીને આ પ્લોટ પચાવી પાડ્યો હતો. આ પ્લોટ ચેતનભાઈએ તેમની પત્નીના નામે લીધો હતો. અને ચેતનભાઈ તથા વિનોદભાઈ વચ્ચે ધંધાકીય સંબંધો હોવાથી શરૂઆતમાં તેઓ સાથે હતા. પરંતુ વિનોદની નિયત બગડતા તેને પ્લોટ ખાલી કરવા ઇનકાર કરી દઈ ચેતનભાઈને જાનથી મારવાની ધમકી આપી હતી. જેથી અંતે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
બીજી ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આનંદમહલ રોડ પર ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી 53 વર્ષીય હિનાબેન સંદિપભાઇ શુકલએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પુનમ રવિ વાલ્મીકી આહિરે (રહે. સી/૪૭૯-૪૮૦,માનસરોવર સોસાયટી, દેવધરોડ, ગોડાદરા), મંગલાબેન દીલીપ થોરાટ (રહે.સી/૪૭૯-૪૮૦, માનસરોવર સોસાયટી, દેવધરોડ, ગોડાદરા) અને રવિ વાલ્મીક આહીરે (રહે. સી/૪૭૯-૪૮૦, માનસરોવર સોસાયટી, દેવધરોડ, ગોડાદરા) ની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. ગોડાદરા ખાતે બ્લોક નં.૬૩/૩ ની જમીનમાં નિર્માણ થયેલી માનસરોવર સોસાયટી વિભાગ- એ માં આવેલા પ્લોટ નં. ૪૭૯ અને ૪૮૦ વાળી મિલકતમાં આરોપીઓએ ગેરકાયસદેસર રીતે કબ્જો કરી લીધો હતો. મકાન પચાવી પાડી આ મકાન ખાલી નહી કરી કબ્જો ખાલી કરાવવા ગયેલા હિનાબેન સાથે ઝઘડો કરી ગાળો આપી હતી. તથા હિનાબેન પાસેથી મકાન ખાલી કરવા પૈસાની માંગણી કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પુનમ બેન ફ્લેટનું તાળુ તોડીને રહેવા માટે આવ્યા હતા. પોલીસે તેમની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.