હત્યા માટે બદનામ દેશ દક્ષિણ આફ્રિકામાં સામૂહિક હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પીટરમૈરિટ્સબર્ગ શહેર નજીકના એક કસ્બામાં અજાણ્યા બંદૂકધારીઓએ એક પરિવારને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોનાં મોત થયાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે હુમલાખોર પૈકીના બેની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક હુમલાખોર પોલીસની ગોળીનો શિકાર બન્યો છે.
દક્ષિણ આફ્રિકાના પીટરમૈરિટ્સબર્ગ શહેરથી થોડે દૂર આવેલા એક કસ્બાના એક ઘરને કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. સવારના સમયે હુમલાખોરો ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિવારના સભ્યો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. જેમાં સાત મહિલા સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં સૌથી નાની વયનો 13 વર્ષીય એક કિશોર હતો.
કહેવાય છે કે આ ઘટનાને પગલે પોલીસ ત્યાં દોડી આવી હતી અને હુમલાખોરો પૈકી બે બંદૂકધારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રીજો હુમલાખોર નાસી છૂટવામાં સફળ રહ્યો છે, જ્યારે અન્ય એક બંદૂકધારીએ પ્રતિકાર કરતાં પોલીસે તેને ગોળી મારી હતી. અલબત્ત હુમલાખોરોની ઓળખ અંગે પોલીસ પ્રશાસને હજુ મૌન સેવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો.
ખાસ વાત એવી છે કે સમગ્ર વિશ્વમાં હત્યાનો સૌથી ઊંચો દર દક્ષિણ આફ્રિકામાં છે. એક સરવે મુજબ દક્ષિણ આફ્રિકાની 60 મિલિયનની વસતિમાં દર વર્ષે 20000 લોકોની હત્યા થાય છે. દેશના ગન ફ્રી અભિયાન સંગઠન દ્વારા જણાવાયું છે કે દરરોજ દક્ષિણ આફ્રિકામાં 30 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી રહી છે. દેશમાં અંદાજે 4.5 મિલિયન બંદૂક રજીસ્ટર્ડ થયેલી છે. દક્ષિણ આફ્રિકા પોલીસ સેવાના રિપોર્ટ મુજબ 2022ના 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા અપરાધો મુજબ 7000થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે, જેમાં 1000 મહિલાઓ હતી. આ સમયગાળા દરમિયાન જ 13000થી વધુ મહિલાઓ પર હુમલો થયો હતો અને ઈજાગ્રસ્ત થઈ હતી. 1277 મહિલાની હત્યાનો પ્રયાસ કરાયો હતો.
ગત જાન્યુઆરી માસમાં પણ પૂર્વી કેપના ગેકેબેર્હા શહેરમાં જન્મદિવસની પાર્ટીમાં બંદૂકધારીઓએ 8 લોકોની હત્યા કરી હતી અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.