ખૂબ જ દુ:ખ સાથે લખવું પડે છે કે ટી.વી. ચેનલો કે પછી સોશ્યલ મિડીયા દ્વારા નામી ફિલ્મ હીરો કે ક્રિકેટરોના માધ્યમથી જાત-ભાતની રીત-રસમોવાળી જુગારની રમતો રમવા આપણા દેશના યુવાનોને મોટી-મોટી લાલચ આપી, જુગાર રમવા માટે બે હજારથી વીસ હજાર સુધીની રકમ સામેથી આપવાની ઓફર થાય છે, તે રકમ જે તેના બેંકના ખાતામાં નથી આપતા પણ જુગાર જેવી રમત માટે ખર્ચેવા માટે જ વપરાય તે રીતે મોબાઇલમાં મોકલી આપે છે, જેથી પારકે પૈસે જુગાર રમવાનું વિચારનાર પહેલાં પારકે પૈસે તેની લત લગાડે છે અને પછી પોતાના પૈસે જુગાર રમી હારતો જ જાય છે. જુગાર રમી માલામાલ થયો તેવો કોઇ બંદો હોય તો તેનું નામ જાહેર કરે! પણ તેમ થયું નથી અને થવાનું નથી.
ફકત રમાડનાર કમાય છે તે કડવી વાસ્તવિકતા હોય ત્યારે બાજનજર રાખતી ભારત સરકાર આવી રીતે યુવાધનનો સત્યાનાશ કરતી એલીકેશનો કેમ તાત્કાલિક બંધ કરી દેતા નથી. હવે તો ક્રિકેટ પણ સટ્ટો રમાડવા માટે જ પ્રસારિત કરવામાં આવે છે તેવું જોઇ શકાતું હોય ત્યારે, ક્રિકેટની રમતનું પ્રસારણ પણ બંધ થવું જ જોઇએ. ક્રિકેટનાં શોખીનો જે તે મેદાન પર જઇને જોશે, ઘરના ડ્રોઇગ-રૂમ કે બેડ રૂમ સુધી પ્રસારિત કરવાની શું જરૂર છે? પણ સરકાર પણ આ રીતે જાહેરમાં ચાલતા જુગારખાનાં ચાલુ રાખે છે અને ખાનગીમાં બે-ચાર બંદા ભેગા થઇ જુગાર રમતા હોય ત્યાં દરોડા પાડે છે એટલે લાગે છે કે સરકાર પણ જુગાર-સટ્ટો ચાલુ રાખવો કે બંધ કરવો તેની અવઢવમાં છે.
પરેશ ભાટિયા સુરત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પવિત્ર રમજાન
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ.સાચે જ સમગ્ર પૃથ્વી પરની પવિત્ર ભૂમિ છે.ભાગ્યશાળી છીએ આપણે કે ભારતમાં જન્મ લીધો છે.સમગ્ર વિશ્વમાં જેટલા ધર્મ અને જેટલી ઈશ્વરીય શક્તિને યાદ કરવાની પૂજા,પ્રાર્થના,દુવા,પ્રેયર આ બધું જ આ ભૂમિ પરથી દરરોજ થતું હોય છે.હાલમાં મુસ્લિમ ધર્મના આવા જ પવિત્ર રમજાન માસના રોજા ચાલી રહ્યા છે. આ મહિનામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો સમગ્ર દિવસ દરમિયાન અલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે. પવિત્ર કુરાન પઢે છે.ઘણા હિંદુ ભાઈઓ પણ રોજા ખોલવાના સમયે મુસ્લિમ ભાઈઓ માટે ઠંડા પાણી તેમજ ફળફળાદિની વ્યવસ્થા પણ કરતા હોય છે. કેટલાક હિન્દુ ભાઈઓ અમુક દિવસના પવિત્ર રોજા પણ કરતા હોય છે.સાચે જ કોમી એકતા, એખલાસ અને ભાઈચારાનો સંદેશ આપતો આ પવિત્ર મહિનો રમજાન સમગ્ર ભારત વર્ષ માટે ખુશીઓનો બની રહે તેવી આપણે સૌ દુઆ કરીએ. રમજાન મુબારક
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે