ગત રવિવારે મોજીલા સુરતની શાંતિને ડહોળવાનો હીન પ્રયાસ કરાયો. મનપાએ ગેરકાયદેસર રીતે અડીંગો જમાવી બેઠેલાં પાથરણાંવાળાંઓ સામે લાલ આંખ કરતાં મામલો ગરમાયો! ચૌટા બજારમાં પાથરણાંવાળાંનો ત્રાસ વર્ષોથી ચાલતો આવ્યો છે. ખપાટિયા ચકલા ઝંડુ ફાર્મસીની સામેથી પાથરણાંવાળાંઓની શરૂઆત થાય છે તે ત્રણ ભાગમાં વિસ્તરે છે! એક ભાગ જમનાદાસની મીઠાઇ સુધી. બીજો ભાગ સુરત જનરલ હોસ્પિટલ સુધી અને ત્રીજો ભાગ બાલાજી રોડના મંદિરોના પાછળના ભાગે લીમડા ચોક સુધી! અહીં ચાલતા જવાનાયે ફાંફાં પડે છે એટલી હદે રસ્તાઓ રોકી લેવાય છે.
એમાં છુટક ફેરિયાઓ ચાલતાં ચાલતાં તેમનો માલ વેચે તેનો ત્રાસ જુદો. સુરત જનરલ હોસ્પિટલમાં આવતી કે જતી એમ્બ્યુલન્સ કે શબવાહિની માટે અહીં પ્રવેશવું અસંભવ છે. પાથરણાંવાળાંઓ સાથે પાણી પુરી અને શેરડીના રસવાળાઓની લારીના પણ એટલાં જ દબાણો છે. મનપા વારંવાર આ દબાણો દૂર કરે છે પણ કલાકમાં પરિસ્થિતિ યથાવત્ થઇ જાય છે. આમાં કેટલેક અંશે ભૂતકાળના આ વિસ્તારના નેતાઓની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર છે. રવિવારે શહેરના રાજમાર્ગ ઉપર બંને તરફ બેઠેલાં પાથરણાંવાળાં એ શહેરીજનો માટે માથાનો દુખાવો છે ત્યારે આ પાથરણાંવાળાં સામે શહેરના જાગૃત નગરસેવકે અવાજ ઉઠાવ્યો છે ત્યારે શહેરનાં નાગરિકોની ફરજ બને છે કે આ ઉમદા કાર્યમાં સહયોગ આપી પાથરણાંવાળાંની મનમાની ચાલવા ના દે.
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ભારતીય નારીની અસલી પહેચાન સાડી છે
તાજેતરમાં રવિવારે સુરત આંગણે યોજાયેલા સાડી વોક થોનને અદ્દભુત સફળતા મળી છે. એ બદલ સુરત મનપાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સાંસદ દર્શનાબેન જરદોશ સાથે સુરત શહેરનાં મહિલા મેયર હેમાલીબેન બોઘાવાલા સહિત વિવિધ વર્ગની સાડીમાં સજ્જ બહેનોની પ્રકટ થયેલ રંગીન તસ્વીર જોઇને મન પ્રસન્ન થઇ ગયું. એ સાથે મનોમન મુખમાંથી શબ્દો સારી પડયા વાહ કયા બાત હૈ. ખરેખર ભારતીય મહિલાઓના પહેરવેશ બાબત માટે બંધક કહેવું પડે કે બહેનોની, માતાઓની, દીકરીઓની સાચી શોભા સાડી છે. ચહેરાની રોનક ખીલી ઊઠે છે. લાજ, શરમ સાથે સાડી પણ મહિલાઓનું એક આભૂષણ ગણાય. વિવિધ વર્ગના લોકોને વિવિધ પ્રકારની સાડી સુરતની માર્કેટમાંથી વ્યાજબી ભાવમાં મળી જાય છે.
વિશ્વમાં સુરત સાડી માટે પ્રખ્યાત છે. વિદેશી મહિલાઓ પણ હવે તો સાડી ધારણ કરીને બહાર નીકળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રોજિંદા જીવનમાં મહિલાઓનું સાડીનું ચલણ ઘટયું છે એ પણ હકીકત છે. એનું મુખ્ય કારણ સાડીનું સ્થાન ડ્રેસે લઇ લીધું છે. મહિલાઓને ઝડપથી તૈયાર થઇને પોતાના ફિલ્ડમાં જવા માટે ડ્રેસ સરળ અને અનુકૂળ બની ગયો છે. છતાં પણ કહેવું જોઇએ કે જયારે પણ લગ્ન જેવો શુભ પ્રસંગ આવે કે તરત બહેનોને સાડીની યાદ તાજી થાય છે. વિવિધ પ્રાંતની મોંઘા ભાવની પ્રખ્યાત સાડી પહેરી બની-ઠનીને હોંશે હોંશે લગ્ન સમારંભમાં હાજરી આપે છે. ટૂંકમાં સાડીનું ચલણ અકબંધ રહ્યું છે. સાડી વિના મહિલા વર્ગને કયારેય ચાલવાનું નથી. ભારતીય સંસ્કૃતિમાં સાડીનું મહત્ત્વ જેવું તેવું નથી. સદીઓથી સાડી મહિલાઓનો પહેરવેશ બની ગયો છે.
સુરત -જગદીશ-પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે