નડિયાદ: રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી બોગસ માર્કશીટ, ડમી પરીક્ષાર્થી તેમજ પેપર ફુટવા જેવા અનેકવિધ કાવતરા થકી ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મેળવવાના તેમજ વિદેશ જવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. બરાબર તેવા સમયે જ ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસે ઠાસરા તાલુકાના નેશ ગામમાંથી શંકાસ્પદ માર્કશીટો સાથે એક યુવકને ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. આ કિસ્સામાં પણ બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ખેડા એલસીબીની ટીમે બાતમીને આધારે ઠાસરા તાલુકાના નેશ ગામના સર્ચ ઓપરેશન હાથ ધરી એક યુવાનને શંકાસ્પદ માર્કશીટો સાથે પકડ્યો છે. તેની પાસેથી ધોરણ 10 અને 12 ના સમકક્ષ સર્ટીઓ પકડાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દિલ્હી બોર્ડના ધોરણ 10 અને 12ની માર્કશીટ પણ પોલીસે કબજે લીધી છે. પકડાયેલા યુવકનું નામ કિરણ હોવાનું અને તે પરદેશથી પરત આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ યુવક પાસેથી મળી આવેલી માર્કશીટો ઓરીજનલ છે કે, ડુપ્લીકેટ તેની ચકાસણી માટે હાલ, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો બોગસ માર્કશીટ હશે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે એમ છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ બાદ સમગ્ર સચોટ માહિતી મળશે. આ મામલે એલસીબી પી.આઈ કે.આર.વેકરીયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું છે કે, યુવક પાસેથી કુલ ૧૭ માર્કશીટો પકડાઈ છે, હાલ આ માર્કશીટોનું વેરીફીકેશન કરવાનું કામ ચાલું છે. તેમાં જો માર્કશીટ બોગસ નીકળશે તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.