અમદાવાદ: ચર્ચિત નરોડા હત્યાકાંડ (Naroda Hatyakand) કેસમાં આજે સ્પેશ્યિલ કોર્ટે (Special Court) ચૂકાદો (Verdict) આપ્યો છે. કોર્ટે પૂર્વ મંત્રી માયા કોડનાની (Maya Kodnani), બાબુ બજરંગી (Babu Bajrangi) સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ અગાઉ ચૂકાદો આવવાનો હોય આજે સવારથી જ કોર્ટની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મોટી સંખ્યામાં લોકો કોર્ટ બહાર ભેગા થયા હોય ઉત્તેજનાસભર માહોલ રહ્યો હતો. ચૂકાદો આવ્યા બાદ કોર્ટની બહાર હાજર આરોપીઓના પરિવારજનો અને સમર્થકોએ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
નરોડા હત્યાકાંડ દેશભરમાં ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. ગઈ તા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા ભૂંજી દેવામાં આવ્યા ત્યાર બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.
ગોધરા કાડના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી દેવાયાનો આરોપ હતો.
આ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી, જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર IPC કલમ 149, 302, 436, 153(A), 435, 436, 307 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તબક્કાવાર અન્ય 50 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આમ, કુલ પોલીસે તબક્કાવાર 86 લોકોને પકડ્યા હતા. જજ સુભદા બક્ષીએ આ કેસમાં 86 આરોપીઓ સામે ચુકાદો સંભળાવ્યો છે. 21 વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો છે.