જો ટી.વી. સિરીયલ બનાવવી જ હોય તો એ સિરીયલોમાં અભિનય કરનારાઓની કહાણી પર પણ ધ્યાન આપવું જોઈએ. શ્વેતા બસુ પ્રસાદ હમણાં ‘જ્યુબિલી’વેબ સિરીઝમાં દેખાઈ રહી છે. એ સિરીયલમાં એવાં પાત્રોની વાત છે જે પોતાનાં સપનાં, પોતાની ઈચ્છા, મહત્ત્વાકાંક્ષા અને પ્રેમ સુધી પહોંચવા જિંદગીને જુગારની જેમ પણ ખેલી લે છે. શ્વેતા બસુ પ્રસાદનું પણ તો એવું જ હતું. તેણે જંગ ખેલ્યો ને ધારેલી કારકિર્દીમાં આગળ વધી ગઈ. જમશેદપુરમાં જન્મેલી શ્વેતા તેના કુટુંબ સાથે બાળક તરીકે મુંબઈ રહેવા આવી ગઈ ત્યારે ભવિષ્યની ખબર નહોતી. તે સમજણમાં પ્રવેશી ત્યારથી જરા જૂદી હતી.
નામ હતું શ્વેતા પ્રસાદ એ નામમાં તેણે તેની માનું નામ બસુ જોડ્યું અને શ્વેતા બસુ પ્રસાદ થઈ. તેને વિશાલ ભારધ્વાજે ‘મક્કી’માં બાળ કળાકાર તરીકે સરસ ભૂમિકા આપી અને શ્વેતાને તે માટે શ્રેષ્ઠ અભિનયનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પછી તો તેની ‘ઇકબાલ’, ‘વાહ!લાઈફ હો તો ઐસી’,‘ડરના જરૂરી હે’જેવી ફિલ્મો આવી પણ તેને કામ મળવું ધીમું પડ્યું તો તેલુગુ, તમિલ ફિલ્મોમાં કામ કરવા લાગી અને હવે ફરી હિન્દી ફિલ્મો જ નહીં, ટી.વી. અને વેબ સિરીઝનો ભાગ બની ગઈ છે. હમણાં ‘જ્યુબિલી’માં તે જાણે પોતાના જ પાત્રને કાંઈક અંશે જીવે છે.
આજથી નવેક વર્ષ પહેલાં તે હૈદ્રાબાદની હોટલમાં થયેલી પોલીસ રેડમાં પકડાયેલી અને તેની પર ત્યારે દેહવ્યસાય કરતી હોવાનો આરોપ હતો. પોલીસે તેને બે મહિના માટે રેસ્ક્યુ હોમમાં મોકલી દીધેલી અને પછી અદાલતે તેને બધા આરોપોથી મુક્ત કરેલી. બનેલું એવું કે ત્યારે તે એક ફિલ્મ એવોર્ડ સમારંભમાં ભાગ લેવા માટે આયોજકોએ આપેલી હોટલમાં રોકાયેલી હતી. ખેર! ત્યાર પછી તે બાલાજી ટેલી ફિલ્મની ‘ચંદ્રા નંદિની’માં મુખ્ય અભિનેત્રી તરીકે આવેલી. હવે તો તેની ફિલ્મોની સંખ્યા મોટી થઈ ગઈ છે ને જેમાં ‘ધ તાસ્કંદ ફાઈલ્સ’ની રાગિણી ફૂલે ‘શુક્રાણુ’ની રીમા અને ‘ઈન્ડિયા લોકડાઉન’ની મહેરુન્નિસા સહિતનાં પાત્રો છે. હા, તેની છેલ્લી પાંચેય ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જ રજૂ થઈ છે.
શ્વેતા બસુ પ્રસાદ ટી.વી. પર એટલી જ એકટિવ છે. હમણાં ગયા વર્ષે તે ‘ક્રિમીનલ જસ્ટિસ અધૂરા સર્ચમાં લેખા તરીકે આવી હતી. તે પહેલાં ‘રે’,‘હાઈ’,‘ડો.દૂન’, ‘હોસ્ટેજીસ’, ‘ગેંગસ્ટર્સ’. શ્વેતા પોતાની પર ચડેલી બદનામીથી ઘણી આગળ નીકળી ગઈ છે. આ દરમ્યાન તે રોહિત મિત્તલ સાથે 2018માં પરણી પરંતુ એકાદ વર્ષ પણ ન થયું અને બંને છૂટાં પડી ગયાં. હવે તે એકલી જ રહે છે. સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું તેણે છોડી દીધું છે. હિન્દી ફિલ્મો અને ટી.વી. સિરીયલો, વેબ સિરીઝમાં તે વ્યસ્ત રહે છે.