ડાકોર: ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે ભગવતીપુરામાં આવેલ પોલ્ટ્રીફાર્મમાંથી ફેલાતાં રજકણો તેમજ અસહ્ય દુર્ગંધને પગલે ગામમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. આ મામલે જાગૃત ગ્રામજનો દ્વારા અનેકોવાર તંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ નઘરોળ તંત્ર આ રજુઆતો ધ્યાને લેતું ન હોવાથી રોષે ભરાયેલાં ગ્રામજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતમાં હાલ ફરીથી H૩N૨ વાયરસે ભરડો લીધો છે ત્યારે આરોગ્ય સાથે ચેડા કરતી ઘટના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામ તાબે ભગવતીપુરામાં સામે આવી છે. આ ગામમાં એક માથાભારે શખ્સ દ્વારા ચારેક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલાં મરઘી ઉછેર કેન્દ્રમાંથી ફેલાતાં રજકણો તેમજ અસહ્ય દુર્ગંધને પગલે આસપાસના રહિશોને ઝાડા, ઉલ્ટી, તાવ, ખાંસી જેવા રોગો ઘર કરી ગયા છે. આ બાબતે આ ગામના રહીશો દ્વારા ઠાસરા તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, ગ્રામપંચાયતના સરપંચ, તેમજ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમછતાં તંત્ર દ્વારા આજદિન સુધી આ રજુઆતો ધ્યાને લેવામાં આવી નથી. જેને પગલે ગામમાં ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ વહેલીતકે ઉકેલ લાવવામાં નહીં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ તેમજ આંદોનન કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.