વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ચાર રસ્તા વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર ગળકાછ ગામના ટર્નિંગ નજીક બે બાઈકચાલક સામસામે ભટકાતાં (Bike Accident) સ્થળ ઉપર જ એક યુવક સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં યુવક સારવાર હેઠળ છે. ગળકાછ ગામના જુવાનજોધ યુવકનું મોત થતાં તેના પિતા અને સમગ્ર પરિવારના માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું.
ગળકાછ ગામના વતની અને મોસાલી ચાર રસ્તા ખાતે ચા નાસ્તાની દુકાન ચલાવતા શાંતુભાઇ વિશ્રામભાઇ વસાવાને સંતાનમાં ચાર દીકરી અને સૌથી નાનો એક દીકરો આશિષ છે. જે સાંજના સમયે તેના પારિવારિક મિત્ર વિશાલ મુકેશ વસાવા સાથે બાઈક પર ગળકાછ ગામથી નીકળી મોસાલી ચાર રસ્તા ખાતે ગયા હતા.
અને ત્યાંથી ચા-નાસ્તો કરી ફરી તેઓ ગળકાછ ગામે બાઇક પર બંને મિત્રો જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગળકાછ ગામ પાસેના ટર્નિંગ નજીક સામેથી એક બાઈકચાલક રોંગ સાઈડ પર ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે આવતાં બંને બાઈક સામસામે ભટકાઈ હતી, જેમાં બાઈક પર પાછળ બેઠેલા આશિષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
બાઈક ચલાવનાર વિશાલ મુકેશ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ બીજા બાઈકચાલક હીરા દલસુખ વસાવા (ઉં.વ.42)ને પણ ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. રસ્તેથી પસાર થતા વાહનચાલકોએ મદદે આવી 108ને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ માંગરોળ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
મરણ જનાર હીરા વસાવા માંગરોળના વકીલપરા ગામનો વતની છે અને હાલ તે વાલિયાના ભરાડિયા ગામે સાસરીમાં રહેતો હતો. મરણ જનાર યુવક આશિષના પિતા શાંતુભાઇ વસાવાએ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આશિષ ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો
16 વર્ષીય યુવક આશિષ પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો અને ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. શોકમાં ઘરકાવ થયેલા યુવકના પિતા અને પરિવારનું આક્રંદ અને હૈયાફાટ રૂદન સૌનાં કાળજાં કંપાવનારું હતું. યુવકની અંતિમ યાત્રામાં સમાજના લોકો તેમજ મિત્ર વર્તુળના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઝઘડીયાના સુથારપુરામાં બે બાઈક સામસામે અથડાતા પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ
ઝઘડિયા : ઝઘડિયાના સુથારપુરા ગામમાં વિચિત્ર અકસ્માત થયો છે. અહીં પૂરઝડપે દોડતી બે મોટરસાઇકલ સામસામે અથડાઈ છે. આ અકસ્માતમાં બંને ચાલકો સહિત કુલ ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયાના સુથારપુરા ગામના અજયભાઇ જેન્તીભાઇ વસાવા ઝઘડિયા GIDCની UPL કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૮મીના રોજ સાંજના અજય નોકરીએથી છૂટ્યા બાદ સરસાડ ગામે આવ્યો હતો. ત્યાંથી ફતેસિંહભાઇ વસાવાની મોટરસાઇકલ લઇને તેના સાત વર્ષીય પુત્ર સંકેતને મોટરસાઇકલ પર સાથે બેસાડીને સુથારપુરા આવવા નીકળ્યો હતો. એ વેળા સરસાડ ગામની નવી નગરી પાસે સુથારપુરા તરફ જવાના રોડ પર આવી રહેલ એક અન્ય મોટરસાઇકલ અજય વસાવાની મોટરસાઇકલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં અજય અને તેનો પુત્ર નીચે પડી ગયા હતા અને બંનેને ઈજાઓ પહોંચી હતી.
અન્ય મોટરસાઇકલ ચાલક પરિમલભાઇ મનહરભાઇ પરમાર (રહે.કાકલપોર)ને પણ ઇજા થયેલ હતી. ઇજાગ્રસ્ત અજય વસાવાને અવિધા સરકારી દવાખાને સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ બાદ સ્થિતિ વધુ ગંભીર થતાં વડોદરા લઇ જવાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અજય વસાવાને, અકસ્માત કરનારા પરિમલભાઈ પરમારે ખર્ચ આપવાની ધરપત આપી હતી. પરંતુ ખર્ચ આપ્યો ન હતો. જે બાબતે અજય જેન્તીભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે પરિમલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.