ગાંધીનગર: આગામી ૭મી મેના રોજ રાજ્યભરમાં તલાટીની (Talati) પરીક્ષા (Exam) લેવાના છે. આ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોએ સંમતિપત્ર આપવું જરૂરી છે. અત્યાર સુધીમાં ૬ લાખથી વધુ ઉમેદવારોએ સંમતિપત્ર આપ્યું છે. હજુ પણ બે દિવસનો સમય બાકી છે, તેથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેવો ઝડપથી સંમતિપત્ર ભરી દે, તેવું પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું.
હસમુખ પટેલે વધુમાં કહ્યું હતું કે તલાટીની પરીક્ષા આપવા માટે ઉમેદવારોએ સંમતિપત્ર આપવું જરૂરી છે. જે ઉમેદવાર સંમતિપત્ર નહીં ભરે, તે પરીક્ષા આપવા માટે આપોઆપ ગેરલાયક ઠરશે. સંમતિપત્ર આપવા માટે તા. ૨૦મી એપ્રિલ છેલ્લો દિવસ છે. માટે પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારોએ સંમતિપત્ર ઝડપથી ભરી દેવા. ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા હશે, તેના આધારે જ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
હસમુખ પટેલે વધુમાં કહ્યું હતું કે પરીક્ષા બપોરે ૧૨-૩0 વાગે લેવામાં આવશે. સંમતિપત્ર ભરેલા હશે, તેમનો જ કોલ લેટર મળશે. સંમતિપત્રની રસીદ પરીક્ષા કેન્દ્ર પર સાથે લાવવાની જરૂર નથી. કોલ લેટર પરીક્ષાના આઠ દિવસ પહેલા ડાઉનલોડ થઈ શકે તેવી વ્યવસ્થા અમે કરી રહ્યાં છીએ. કોલ લેટર ડાઉનલોડ સમયે સંમતિપત્રનો નંબર જરૂરી છે. પ્રશ્નપત્ર પણ સમયસર પૂરું થઈ જાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. પરીક્ષા સુચારું રૂપે લેવામાં આવે તે માટેની તમામ તૈયારીઓ થઈ રહી છે.