આણંદ: આણંદ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા સાડા ચાર મહિના દરમિયાન સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી 412 જેટલા ચોરાયેલા મોબાઇલ સંદર્ભે 62 શખસની ધરપકડ કરી હતી. જોકે, કેટલાક કિસ્સામાં બિનવારસી પડેલો મોબાઇલ રાખી લેવાના કારણે પણ પોલીસ ચોપડે ચડી ગયાં હતાં. આણંદ જિલ્લામાં ગુમ થયેલા, ખોવાયેલા તેમજ એફઆઈઆર આધારે દાખલ થયેલા ગુનાઓના મોબાઇલ શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા, ખોવાયેલા તેમજ નોંધાયેલા મોબાઇલ અંગેના ગુના, અરજી તપાસોમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી આવા મોબાઇલ શોધી કાઢવા માટે 1લી ડિસેમ્બર,22થી 15મી એપ્રિલ,23 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે 412 મોબાઇલ કિંમત રૂ.61,93,404 શોધી કાઢ્યા હતા. જે સંદર્ભે 62 શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે તમામ મોબાઇલ જે તે અરજદારોને પરત સોંપવામાં આવશે.
કયા પોલીસ સ્ટેશનમાં કેટલા મોબાઇલ ચોરાયાં ?
આણંદ ટાઉન 146, આણંદ ગ્રામ્ય 20, વિદ્યાનગર 43, વાસદ 2, ખંભોળજ 6, ઉમરેઠ 43, ભાલેજ 5, પેટલાદ ટાઉન 10, પેટલાદ ગ્રામ્ય 10, બોરસદ ટાઉન 21, બોરસદ ગ્રામ્ય 13, આંકલાવ 7, ભાદરણ 11, મહેળાવ 9, ખંભાત સીટી 34, ખંભાત ગ્રામ્ય 14, વિરસદ 8, સોજિત્રા 8, તારાપુર 2નો સમાવેશ થાય છે.