બોટાદ: ગુજરાતના (Gujarat) બોટાદ (Botad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચોંકાવનારી ઘટના બની છે. અહીં ટ્રેનમાં આગ (Fire In Train) લાગતા દોડધામ મચી ગઈ છે. બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 7 ઉપર બંધ હાલતમાં ટ્રેન ઉભી હતી ત્યારે આગ લાગી હતી, જેના લીધે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગના પગલે રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરના કાફલાએ ધસી જઈ આગ કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં આગ લાગી છે. આ ટ્રેન રોજ સાંજે 6 વાગ્યે બોટાદથી સુરેન્દ્રનગર જવા ઉપડે છે. આજે તે બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 7 ઉપર બંધ હાલતમાં પડી હતી ત્યારે એકાએક આગ લાગી હતી. થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોત જોતામાં ટ્રેનના 3 ડબ્બામાં આગ ફેલાઈ હતી અને જવાળાઓ ઉઠવા લાગી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ટ્રેનથી દૂર ભાગવા લાગ્યા હતા. આગ લાગતા રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ટ્રેનના 3 ડબ્બામાં ફેલાયેલી આગને ઓલવવા માટે ફાયરના કાફલાએ જહેમત ઉઠાવી હતી. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.સદ્દનસીબે ટ્રેન બંધ હોય અંદર કોઈ મુસાફર નહોતા, તેથી મોટી દુર્ઘટના ટળી હતી.