SURAT

સુરતમાં રાજમાર્ગ પર લારી મુકતા ફેરિયાઓએ ધમાલ મચાવી, પાલિકાના કર્મચારીઓને માર્યા

સુરત: સુરત મહાનગરપાલિકાના (SMC) સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ભાગળથી લાલગેટ થઇ ચોક બજાર સુધી દર રવિવારે ખુબ મોટી સંખ્યામાં પાથરણાઓ અને લારી ગલ્લાવાળાઓ દ્વારા દબાણ ઊભું કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ પર દબાણની સમસ્યાને કારણે ટ્રાફિકની (Traffic) સમસ્યા પણ થઈ રહી છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કાયમી થઇ ગયેલી આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક લોકોએ સ્થાનિક નગર સેવક સંજય દલાલની ઓૅફીસે જઇ રજુઆત કરતા સેન્ટ્રલ ઝોનની દબાણ ખાતાની ટીમ બોલાવાઇ હતી.

જો કે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ દબાણકર્તાઓ દ્વારા મનપાની ટીમ પર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. જેમાં મનપાના કર્મચારીઓ સાથે છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્પોરેટર સંજય દલાલના પી.એ પર પણ હુમલો થયો હતો. મનપા દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવતા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. જો કે ત્યાં સુધીમાં મોટાભાગના પાછળના અને લારી ચાલકો પોતાનો સામાન લઈને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

રત શહેરમાં દબાણનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે. શહેરમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે ભાગળ રોડ પર લારી ગલ્લાના પાથરણાવાળા બેસતા હોય વધુ સમસ્યા થઈ રહી છે. દર રવિવારે અહી દબાણની સમસ્યા વધતી હોય, મનપાની ટીમ દ્વારા અગાઉ એક વખત દબાણ હટાવ્યા હતા અને હવે ફરીવાર દબાણ થઈ જતા મનપાની ટીમ રવિવારે દબાણ હટાવવા પહોંચી હતી.

સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સહિતની ટીમ દબાણ હટાવવા પહોંચી ત્યારે ટોળાએ તેમના પર હુમલો કરીને સુરત મહાનગરપાલિકાની ટીમને ખદેડી મૂકી હતી. એટલું જ નહીં પરંતુ જપ્ત કરવામાં આવેલા પાથરણાં તથા લારીઓ સહિતનો સામાન પણ જબરજસ્તીથી છોડાવી લીધો હતો. મનપાના કર્મચારીઓ સાથે દબાણકર્તાઓએ રીતસર ઝપાઝપી કરતા કર્મચારીઓને ઈજા પણ થઈ હતી. ઘટના અંગે મનપા દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવતા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. જો કે તેમા માત્ર બે પોલીસકર્મીઓ હોવાથી મોટાભાગના પાછળના અને લારી ચાલકો પોતાનો સામાન લઈને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

કોર્પોરેટર સંજય દલાલના પી.એ.ને હાથમાં ટાંકા લેવા પડયા
આ સમગ્ર રસ્તા પર દબાણ થતુ હોવાના કારણે સ્થાનિક દુકાનદારો અને રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી શેરી મહોલ્લામાંથી લોકોને નીકળવું પણ મુશ્કેલ થઈ ચુક્યું છે. જેથી આખરે સ્થાનિક લોકો દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક કોર્પોરેટર સંજય દલાલના માણસ કુશલ ચંદારાણા પણ ટીમની સાથે હતા. જેથી હુમલો કરનાર ટીમે કુશલ એજ આ ફરિયાદ કરી હોવાનો વહેમ રાખી તેમના પર હુમલો કર્યો હતો. કુશલને ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડતા તેને હાથમાં ટાંકા પણ આવ્યા હતા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી.

પોલીસ બંદોબસ્તના નામે જાણે મજાક : મનપા પર હુમલો થયો તો બે પોલીસકર્મીઓ આવ્યા
સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતેની ટીમ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓ દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. પરંતુ માત્ર એક પીસીઆર વાન આવી હતી અને તેમાં પણ માત્ર બે જ પોલીસ કોન્સ્ટેબલ હતા. જેથી સુરત મહાનગરપાલિકાની ટીમને રક્ષણ મળી શકે તેવા કોઈ નક્કર બંદોબસ્ત આપવામાં આવ્યો ન હતો. જેથી હુમલો કરનાર ટોળાને વધુ લાધું ફાવી ગયું હતું અને તેઓ પોતાનો સામાન છોડાવીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. જોકે અન્ય ઘણા લારી ગલ્લા અને પાથરણાં જપ્ત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top