ઉપલેટા: ઉપલેટામાં (Upaleta) વહેલી સવારે બે જૂથો (Two Groups) વચ્ચે હિંસક અથડામણ (Violent conflict) થઈ હતી. ઉપલેટાના પંચહાટડી ચોકમાં આજે વહેલી સવારે બે જૂથ વચ્ચે ઝઘડો થતા વિવાદ વધ્યો હતો. બે જૂથ વચ્ચે અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ (Firing) થતાં નાસભાગ મચી ગઈ હતી. અંધાધૂંધ ફાયરિંગના કારણે દુકાનોનાં શટરો ટપોટપ પડવા લાગ્યા હતાં. બે જૂથ વચ્ચેની અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં પોલસી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ઉપલેટના પંચહાટડી ચોકમાં વહેલી સવારે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વહેલી સવારે સામસામે 8 રાઉન્ડ ફાયરિંગના થતા ચોકમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે અંધાધૂંધ ફાયરિંગમાં 3 વ્યક્તિઓને ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જ્યારે અન્ય બે વ્યક્તિને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
કહેવામાં આવી રહ્યું છે જૂની અદાવત અને જમીનના ઝઘડામાં બે જૂથ સામેસામે આવી ગયું હતું. જેમાં વિવાદ વધતા શનિવારે સવારે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. આ અંધાધૂંઘ ગોળીબારમાં જાવેદ સંઘવાણી મેમણ, અહમદ અલી સમા અને ઈરફાન લંબાને ગોળી વાગતા સારવાર માટે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બજારો બંધ કરાવી દેવાયા
પંચહાટડી ચોકમાં બે જૂથ વચ્ચે અથડામણની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વધુ કોઈ અફવા ન ફેલાય તેમજ પરિસ્થિતિ વધુ ન બગડે તે વાતને ધ્યાનમાં લઈને તાત્કાલિક બજારો બંધ કરાવી દીધા હતા. જ્યારે આ મામલે પોલીસે ઈજાગ્રસ્ત લોકોનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અથડામણમાં 8 રાઉન્ડ ફાયરિંગ થયા હતા. જેમાં એક વ્યક્તિ પાસે બે હથિયાર હતાં. જ્યારે આ અંગે પોલીસ ઈજાગ્રસ્ત વ્યક્તિને ફાયરિંગ કરનાર વ્યક્તિ અંગે પૂછતા તેણે ચાર વ્યક્તિઓના નામ આપ્યા હતા. જોકે પોલીસે હજુ ગુનો દાખલ કર્યો નથી. આ ઘટનામાં વધુ નામ ઉમેરાઇ શકે છે. આ ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.