બાળકોમાં અવનવું શીખવા માટેની ધગશ મોટા લોકો કરતા વધુ હોય છે. હવે સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ છે એની સાથે વેકેશનનો પ્રારંભ થઇ ગયો છે. આજના પ્રતિસ્પર્ધાના યુગમાં માતા-પિતા પોતાનું બાળક પાછળ નહીં રહી જાય તે માટે બાળકોને વિવિધ પ્રવૃતિ શીખવાડવા માટે કલાસીસ, સ્પોર્ટસ એકેડેમીમાં મોકલતા હોય છે, જેથી બાળક ખાલી બેસી નહીં રહે અને તેનું માઈન્ડ ક્રિએટિવ રહે. સિટીમાં અત્યારે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યાો છે. આજકાલ બર્થડે પાર્ટીઝમાં બાળકો તોફાન કરે એ માટે એક લોકોને આર્ટ ટીચર બુક કરી વિવિધ ક્રિએટીવ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. સાથે જ કાફેમાં લોકો માત્ર ગોસિપમાં મન ન પરોવે અને કંઇક સારૂ શીખે એ હેતુથી તેમાં આર્ટીસ્ટીક એક્ટિવીટીઝનો ટ્રેન્ડ જણાઇ રહ્યાો છે. વળી, ટેટૂને લઈને અને ગર્ભવતી મહિલાઓના પેટમાં રહેલા બાળકમાં પણ કલાનું સિંચન થાય તે માટે પણ અવનવું શીખવાડવાનો શું નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યાો છે? તે આપણે અહીં જાણીએ.
બર્થડે પાર્ટીમાં પ્રોફેશનલ્સને બોલાવી બાળકોને આર્ટ એન્ડ ક્રાફટ શીખવાડવાનો ટ્રેન્ડ: ચૈતાલી દમવાલા
ચિત્રકલામાં માહિર એવા શહેરના જાણીતા ચિત્રકાર ચૈતાલીબેન દમવાલા જણાવે છે કે, હવે સ્કૂલોમાં વેકેશન ચાલુ થઈ ગયું છે એટલે બાળકો સ્ટડીમાંથી ફ્રી થઈ ગયા છે. એવામાં કોઈ બાળકની બર્થડે આવતી હોય ત્યારે તે બાળકના માતા-પિતા પાર્ટીમાં ઇન્વાઈટ કરવામાં આવેલા બાળકો આર્ટ એન્ડ ક્રાફટ શીખે તેવું આયોજન કરે છે. પ્રોફેશનલને બોલાવી ટી-શર્ટ પર, કેપ પર પ્રિન્ટ કરવાનું અને બેગ બનાવાનું શીખવાડવામાં આવે છે. બજેટ પ્રમાણે એક્ટિવિટીઝ નક્કી કરવામાં આવે છે. બાળકોએ જે બનાવ્યું હોય તે જ તેમને રિટર્ન ગિફ્ટમાં આપવામાં આવે છે. આ ટ્રેન્ડ છેલ્લાં બે-ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે. બર્થડે પાર્ટીમાં આવું ક્રિએટિવ શીખવાડવાનું શહેરના વેસુ, સિટીલાઈટ,અલથાણ અને અડાજણમાં જોવા મળે છે. 5થી 15 વર્ષ સુધીના બાળકોને આવું શીખવાડવામાં આવે છે. કેક કટિંગ પહેલાં આર્ટ એન્ડ ક્રાફટ શીખવાડવામાં આવે છે.
પાર્ટીમાં પેઇન્ટિગ શીખે ત્યારે કપડા નહીં બગડે તે માટે એપ્રન પહેરાવવામાં આવે છે: ક્રિષ્નાબેન વખારીયા
ક્રિષ્નાબેન વખરીયાએ જણાવ્યું કે તેમની 9 વર્ષની દીકરી વંશીકાની બર્થડે પાર્ટીમાં તેમણે 20થી વધારે બાળકોને ઇન્વાઈટ કર્યા હતા. મારી ડોટરને આર્ટ એન્ડ ક્રાફટ ગમે છે. તે કાંઈક ને કાંઈક નવું કરતી હોય છે. એટલે અમે તેની બર્થડેમાં બાળકોને કેપ પર પેઇન્ટિંગ બનાવવાનું શીખે તેવી વ્યવસ્થા પ્રોફેશનલ દ્વારા કરાવી હતી. બાળકોને સ્પેશ્યલ ફીલિંગ આવે તે માટે તેમને એપ્રન પહેરાવવામાં આવ્યા હતા. જેથી પેઇન્ટિંગ કરતી વેળા તેમના કપડા બગડે નહીં. બાળકોએ કલરફુલ પેઇન્ટ કરેલી કેપ તેમને રિટર્ન ગિફ્ટમાં આપવામાં આવી હતી.
પ્રેગ્નન્ટ વુમનને આર્ટ એન્ડ ક્રાફટ શીખવાડી ગર્ભસ્થ શિશુની સર્જનાત્મકતાનો વિકાસ કરાય છે: વૈભવી વખારીયા
પહેલાના સમયમાં સ્ત્રીઓ ઘરકામ કરી આખી પ્રેગ્નેન્સી કાઢી નાખતી હતી પછી સમય જતા ગર્ભ સંસ્કારનો ટ્રેન્ડ જણાયો જેનાથી માતા અને બાળકના સ્વાસ્થ્યને ફાયદો પ્હોંચતો. આજકાલ ક્રિએટિવિટીને ધ્યાનમાં રાખી ગર્ભવતી મહિલાઓને પણ આર્ટ એન્ડ ક્રાફટ શીખવાડવાનો ટ્રેન્ડ જણાઈ રહ્યો છે. એક ગર્ભ સંસ્કાર કેન્દ્રના વૈભવી વખારીયાએ જણાવ્યું કે પ્રેગ્નન્ટ વુમન જો સર્જનાત્મક પ્રવૃત્તિ કરે તો શિશુની સર્જનાત્મકતા વધે છે. પ્રેગ્નન્ટ વુમનને ગર્ભાવસ્થા દરમિયાન 5થી વધુ વખત આર્ટ એન્ડ ક્રાફટ શીખવાડાય છે. જેમાં પેપર કવિલિંગમાં કાગળની પાતળી-પાતળી સ્ટીકને શેપ આપી પેજ પર સ્ટીક કરી સ્ટોરી કહી શકાય તેવું ચિત્ર બનાવાય છે. ઓરોગામી શીખવાડાય છે જેમાં પેપરમાંથી ચકલી, બટરફલાય બનાવતા શીખવાડાય છે. એનાથી તે સ્ત્રી સર્જનાત્મક બને છે, શાંત રહે છે, સકારાત્મક વિચાર આવે છે અને ઈમેજીન શક્તિ વધે છે. આનાથી ગર્ભસ્થ શિશુ પણ સર્જનાત્મક બને છે.
બાળકોને કેફેમાં પોટ અને ગ્લાસ પેઇન્ટિંગ શીખવાડાય છે: રશ્મિબેન રંગૂનવાલા
આર્ટ કલાસ ચલાવતા રશ્મિબેન રંગૂનવાલાએ જણાવ્યું કે હું બાળકોને ગ્લાસ, પોટ, કેન્વાસ, ફેબ્રિક પેઇન્ટિંગ શીખવાડું છું. હાલમાં જ 10મા અને 12માં ધોરણના સ્ટુડન્ટ્સની બોર્ડ પરીક્ષા પુરી થઈ છે. તેઓનું પરીક્ષા બાદ માઈન્ડ ફ્રેશ થાય તે માટે હું કેફમાં આવા વિદ્યાર્થીઓને કપ પર, પોટ પર પેઇન્ટિંગ કરતા શીખવાડું છું. આ વિદ્યાર્થીઓને હું કેન્વાસ, કલર, બ્રશ આપું છું. વિદ્યાર્થીઓ કાફેમાં વિવિધ ફૂડની મજા માણવા સાથે પેઇન્ટિંગ શીખી કંઇક નવું શીખતા હોય છે.