Vadodara

ડેરીના અઢી વર્ષ માટે આગામી 5મીજુલાઈએ યોજાનાર ચૂંટણીનું રિહર્સલ?

વડોદરા: જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય એવી બરોડા ડેરીના આગામી બે મહિના માટેના પ્રમુખ – ઉપપ્રમુખ માટેની ચૂંટણી આજરોજ યોજવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે ભાજપાના જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા અને ઉપપ્રમુખ તરીકે બે દિવસ અગાઉ જ કોંગ્રેસમાંથી ભાજપામાં આવનાર ક્રિપાલસિંહ મહારાઉલજીની નિમણુંક કરવામાં આવી છે. આગામી 5 જુલાઈએ જયારે આ ટર્મ પુરી થશે અને અઢી વર્ષ માટેની ટર્મ માટે પુનઃ ચૂંટણી ઉયોજાશે ત્યારે આ ચૂંટણી તેનું રિહર્સલ છે એમ પણ ચર્ચાઈ રહ્યું છે.

ભાજપાના જ ધારાસભ્યો દ્વારા જેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા તેવી બરોડા ડેરીના નવા પ્રમુખ ઉપપ્રમુખની આજે નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બરોડા ડેરીના વિવાદના કારણે વિધાનસભાની ચૂંટણી ટાણે દિનુમામાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતું. અને ત્યાર બાદ કાર્યકારી પ્રમુખ તરીકે જી.બી.સોલંકીની નિમણુંક કરવામાં આવી હતી. જો કે ભાજપાના ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ડેરી સામે આક્ષેપો કરાતા સોલંકીએ પણ રાજીનામુ આપી દીધું હતું.

અનેક ઉથલપાથલ બાદ ડેરીમાં આજરોજ બે મહિના માટે નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે જિલ્લા ભાજપાના પ્રમુખ સતીશ પટેલ ( નિશાળિયા) અને ઉપપ્રમુખ તરીકે ક્રિપાલસિંહ મહારાઉલજીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આજે તેઓના નામ ઉપર મહોર મરાતા આગામી જુલાઈ મહિનામાં યોજાનાર ચૂંટણીમાં પણ આ જ જોડી આગળ વધશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે ડેરી સામેના વિવાદ બાદ પ્રદેશ ભાજપાની મધ્યસ્થીથી હાલ તો વિવાદ સામી ગયો હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top