સ્વેટ માર્ડન લિખિત “તમે જ તમારા ભાગ્યવિધાતા “પુસ્તક વાંચવામાં આવ્યું. બાળકનો જન્મ થાય તેના છઠ્ઠા દિવસે છઠ્ઠીના લેખ વિધાતા લખે છે એવી પ્રથા ચાલી આવી છે. શું ખરેખર વિધાતા છઠ્ઠીના લેખ લખે છે? જો લખતા હોય તો તે મુજબ થાય છે ખરું? અને જો એવું જ હૉય તો વિધાતા તો શું કામ ખરાબ લેખ લખે, સારું જ લખે ને? જે કંઈ સારું કે ખરાબ માનવી જાતે જ કરે છે. સદીઓથી ચાલી આવતી અમાનવીય પ્રથા, ભેદભાવ, અસમાનતા, અંધશ્રદ્ધા, ગરીબ, તવંગરના વાડાઓ બધું મનુષ્ય જાતે જ કરે છે. દરેક મનુષ્યે પોતાનું ભાગ્ય પોતે જ ઘડવાનું હૉય છે, ભાગ્ય પર બેસી રહેનારો મહેનત ન કરે તો?
વિધાતા એટલે વિધિનો લેખ લખનારો એમ માનીએ અને બીજી બાજુ માનવી જન્મથી મહાન નહીં, કર્મથી મહાન કહેવાય, પરંતુ અનુભવે જણાય કે આ બધું બોલવામાં સરળ અમલ કરવામાં? દરેક વ્યક્તિએ પોતાનું ભાગ્ય જાતે જ ઉજાગર કરવાનું હોય છે. ટૂંકમાં દરેક માનવી બંધારણને વફાદાર હોય છે. પ્રજાને કલ્યાણકારી માર્ગે લઈ જવા માટે, અત્યાચાર, ગુનાઓ, વગેરેના નિયંત્રણ માટે કાયદા થકી જ ઉપચાર થઈ શકે. કોઈનું કોઈના ઉપર નિયંત્રણ ન હોય તો વિધાતા શું કરે, જે કંઈ કરે તે જીવતો જાગતો માનવી જ કરે. કબીર સાહેબે સાખીમાં ગાયું છે “ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગું પાય, બલિહારી જિનકો લાગું પાય દિયો બતાય. જ્ઞાન “સાચા જ્ઞાનનો ઉજાસ બીજાના જીવનમાં પાથરે તેને પાય પડાય.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શિક્ષકોને અન્યાય કયાં સુધી?
એપ્રિલ મહિનામાં ટેટની પરીક્ષાઓ જાહેર થઇ છે. સતત શિક્ષકો સાથે અન્યાય કરતી સરકારની આ પરીક્ષાઓ અંગેની એક મોટી જાહેરાતથી ફરી વાર શિક્ષકો સાથેનો અન્યાય દેખાય આવ્યો છે. આ જાહેરાત એ છે કે ટીટ-2માં બીબીએ, બીસીએ કે પછી બીઇ, બીટેકની લાયકાત ધરાવનાર ઇજનેરો પણ ફોર્મ ભરી શકશે. જેથી આવનાર સમયમાં આવી લાયકાત ધરાવનાર ઇજનેરો 6 થી 8 ધોરણમાં શિક્ષક બની શકશે તો શું શિક્ષકની તાલીમ અને ડીગ્રી વિના ઇજનેરો શિક્ષણ સંભાળી શકશે? અને જો શિક્ષકોની જગ્યાએ ઇજનેરોની ભરતી થઇ શકે તો પછી ઇજનેરોની ખાલી જગ્યાએ આ સરકાર શિક્ષકોને નોકરી આપી શકશે? દરેક વખતે શિક્ષણ ક્ષેત્રે ચોંકાવનારા નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અન્યાય થઇ રહ્યો છે.
ગણિત વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો જો તાલિમી શિક્ષકોની જગ્યાએ ઇજનેરો ભણાવશે તો વિષયવસ્તુની એકરૂપતા જળવાઇ રહેશે? ચૂંટણી, વસ્તી ગણતરી અને કોરોના કાળમાં તો આવા કેટલાય બિન શૈક્ષિણિક કામો એક શિક્ષકે કર્યા છે અને વે તેમની બરાબરી કરવા ઇજનેરો જગ્યા લેશે. આ તો શિક્ષકને અન્યાયની સાથે સાથે અપમાનની વાત છે. લેપટોપ અને મશીનો સાથે કામ કરનાર ઇજનેર વર્ગ વિદ્યાર્થીઓના મગજ સુધી વિદ્યા પહોંચાડવામાં સફળ થશે કે પછી આવા અખતરાઓ શિક્ષણ જગતની ધોરી ખોદી નાંખશે?
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.