ધર્મગુરુઓ, કહેવાતા આધ્યાત્મિક નેતાઓ, રાજનેતાઓ વગેરેના જાતીય કૌભાંડો કે દુરાચારો સમયે સમયે બહાર આવતા રહે છે પરંતુ આમાં જ્યારે જેઓ બહુ સન્માનીય હોય તેવા નેતાઓ કે મહાનુભાવોને સંડોવતી કોઇ આવી ઘટબહાર આવે ત્યારે તે વધુ દુ:ખદ બને છે. તાજેતરમાં આવું તિબેટિયનોના ટોચના આધ્યાત્મિક નેતા દલાઇ લામા સંદર્ભમાં થયું છે. દલાઇ લામાએ એક નાના છોકરાને પોતાની જીભ ચૂસવા કહેતા અને તે છોકરાએ તેમના આદેશ મુજબ કરતા ભારે વિવાદ સર્જાયો હતો. દલાઇ લામાએ આ બનાવ પછી તે છોકરા અને તેના કુટુંબીજનો તથા મિત્રોની માફી માગી લીધી છે પણ તેમના આ કૃત્યથી તેમની ભારે ટીકાઓ થઇ રહી છે.
આમ તો અનેક ચલતા પુર્જા જેવા આધ્યાત્મિક ગુરુઓ જાત જાતના ગોરખધંધાઓ કરતા હોય છે અને દુષ્કૃત્યો કરતા હોય છે. કેટલાક આવા કહેવાતા આધ્યાત્મિક ગુરુઓ તો ગંભીર પ્રકારના જાતીય દુરાચારો બદલ દોષિત ઠરીને હાલ જેલમાં પણ બેઠા છે. પરંતુ દલાઇ લામા જેવી વિશ્વપ્રસિદ્ધ અને સન્માનીય હસ્તિ બાબતમાં આવી કંઇક જરા પણ અજુગતી બાબત વધુ દુ:ખપ્રેરક બની શકે છે. દલાઇ લામાને સંડોવતું આ કૃત્ય પેલા જેલમાં બેઠેલા આધ્યાત્મિક ગુરુઓએ કરેલા દુષ્કૃત્યોના પ્રમાણમાં ખૂબ ઓછું ગંભીર છે અને કદાચ દલાઇ લામાએ નિર્દોષ ભાવે અને ગમ્મતમાં પણ આવું કર્યું હોય, જેવું કે તેમના કાર્યાલયે નિવેદનમાં કહ્યું છે, પરંતુ આ બાબત દલાઇ લામાને સંડોવનારી છે તેથી તે અનેકને વધુ દુ:ખદ જણાઇ છે.
આ ઘટના ફેબ્રુઆરીની હોવાનું કહેવાય છે જેઓ એક વીડિયો હાલમાં ફરતો થયો છે. દલાઇ લામાના આ છોકરા સાથેના વીડિયોમાં જોઇ શકાય છે કે દલાઇ લામાના કહેવા પ્રમાણે છોકરો તેમની જીભ ચૂસે છે. વીડિયોમાં દલાઇ લામા આ છોકરાને ચુંબન કરતા હોય તેવું દેખાય છે. આ વીડિયો ફરતો થયો તેના પછી તેમની આ કૃત્ય અંગે ભારે ટીકા થઇ રહી છે અને બાળ અધિકારવાદીઓ સહિત અનેક લોકોએ આ બનાવને ગંભીરતાથી લીધો છે.
ભારે વિવાદ થયા બાદ તિબેટિયન આધ્યાત્મિક વડાની કચેરીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે એક વીડિયો ક્લિપ ફરતી થઇ છે જેમાં હિઝ હોલિનેસ દલાઇ લામા એક નાના છોકરાને કહે છે કે શું તે તેમને ભેટી શકે છે? આ બનાવ અંગે હિઝ હોલિનેસ આ છોકરાની, તેના કુટુંબની અને તેના મિત્રોની એ બાબતે માફી માગવા ઇચ્છે છે કે જો તેમના શબ્દોથી તેમને આઘાત લાગ્યો હોય. વધુમાં આ કચેરીએ એમ પણ કહ્યું હતું કે દલાઇ લામા ઘણી વાર તેમને મળતા લોકો સાથે નિર્દોષ અને રમતિયાળ રીતે ગમ્મત કરતા હોય છે, જાહેરમાં પણ અને કેમેરાની સામે પણ. તેઓ આ બનાવ અંગે ખેદ વ્યક્ત કરે છે એમ આ નિવેદનમાં કહેવાયું હતું.
જો કે કેટલાક લોકો આ ખુલાસાને સાચો માનવા તૈયાર નથી. હક સેન્ટર ફોર ચાઇલ્ડ રાઇટ્સના સહ સ્થાપક ભારતી અલીએ કહ્યું હતું કે આપણે આપણા બાળકોને સલામત અને બિનસલામત સ્પર્શ વિશે શીખવીએ. આવા કૃત્યો મિશ્ર સંકેતો આપે છે અને મૂંઝવનારા છે. દલાઇ લામા જેવા લોકોએ સલામત માહોલના સર્જન માટે ફાળો આપવો જોઇએ અને પોતાના કાર્યોથી માહોલ બગાડવો નહીં જોઇએ. આવા કાર્યોને રમતિયાળ કહી શકાય નહીં એમ તેમણે કહ્યું હતું. ઇન્ટરનેટ પર પણ ઘણા લોકોએ દલાઇ લામાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભેટવા સુધીનું ઠીક છે પણ આ બરાબર નથી.
દલાઇ લામા તિબેટિયન બૌધ્ધોના સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ છે. દલાઇ લામા ખરેખર તો આ ગુરુને અપાતું વિશેષણ પ્રકારનું નામ છે અને હાલના દલાઇ લામા એ લામા પરંપરાના ૧૪મા દલાઇ લામા છે. તિબેટ પર ચીનના આક્રમણ વખતે ૧૯પ૯માં તેઓ તિબેટથી ભાગીને પોતાના કેટલાક શિષ્યો અને ટેકેદારો સાથે ભારત આવી ગયા હતા અને તે સમયની ભારત સરકારે તેમને રાજ્યાશ્રય આપ્યો હતો. તેમણે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પોતાના કેન્દ્રની સ્થાપના કરી અને ત્યાંથી તિબેટની દેશવટો ભોગવતી સરકાર ચલાવીને ચીન સામે અહિંસક લડતા આપતા રહ્યા. તેમને શાંતિના નોબેલ પ્રાઇઝ સહિત અનેક સન્માનો મળી ચુક્યા છે અને વિશ્વના અનેક દેશોમાંથી તેમને માનદ ડોકટરેટની પદવી મળી છે.
હવે છેલ્લા કેટલાક સમયથી તેઓ રાજકીય રીતે નિવૃત થઇ ગયા છે અને તિબેટની સ્વાયત્ત સરકારને તેમણે એક રીતે માન્યતા આપી દીધી છે અને ચીન સામેનો સંઘર્ષ પણ તેમણે મંદ બનાવ્યો છે પરંતુ તેઓ વિશ્વભર માટે એક નોંધનીય સન્માનીય વ્યક્તિ છે. આથી જ આવી વ્યક્તિની નાનકડી ભૂલ પણ વધુ ગંભીર બની જાય છે. વળી એક અધિકારીએ તો દલાઇ લામા સામે પગલાનો પણ સંકેત આપ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દલાઇ લામા રાજદ્વારી મુક્તિ ધરાવે છે, આથી આ બાબતમાં શું કરવું તેની સરકાર ચકાસણી કરે છે. જો કે તેમની સામે કોઇ પગલા નહીં લેવાય તેમ લાગે છે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો, અને ખાસ કરીને જનસમૂહોમાં બહોળુ સન્માન ધરાવતા લોકોએ પોતાના વાણી વર્તનમાં ખૂબ જ સાવધ રહેવું જોઇએ.