National

BBC ઇન્ડિયા સામે EDએ ફેમા હેઠળ તપાસ શરૂ કરી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે (ED) ન્યૂઝ બ્રોડકાસ્ટર બીબીસી ઇન્ડિયા (BBC India) સામે કથિત રીતે વિદેશી હુંડિયામણ કાયદાના ભંગ બદલ ફેમાનો એક કેસ દાખલ કર્યો છે એમ સત્તાવાર સૂત્રોએ આજે જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગે બીબીસીની કચેરીઓ પણ દરોડા (Raid) પાડ્યા તેના બે મહિના પછી આ કેસ નોંધવામાં આવ્યો છે.

  • કંપનીના કેટલાક અધિકારીઓના નિવેદનો ફેમાની જોગવાઇ હેઠળ નોંધવામાં આવ્યા
  • આ સમાચાર એજન્સી દ્વારા એફડીઆઇના નિયમોનો ભંગ કરાયો હોય તે બાબતે ચાલતી તપાસ, આવકવેરાના દરોડાઓના બે મહિના પછી આ તપાસ શરૂ થઇ
  • બીબીસી દ્વારા વર્ષની શરૂઆતમાં બે ભાગમાં એક ડોક્યુમેન્ટરી સિરીઝ રજૂ કરી હતી જેમાં ગુજરાતના ૨૦૦૨ના રમખાણો અંગેની બાબતો આવરી લેવામાં આવી હતી

આ ન્યૂઝ કંપનીના એક ડેપ્યુટી મેનેજીંગ એડિટર આ એજન્સી સમક્ષ ઉપસ્થિત થયા હતા. ઇડીએ દસ્તાવેજો મંગાવ્યા છે અને કંપનીના કેટલાક અધિકારીઓના નિવેદનો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા)ની જોગવાઇઓ હેઠળ નોંધ્યા છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ તપાસ દેખીતી રીતે આ કંપની દ્વારા ઇરાદાપૂર્વકના વિદેશી સીધા રોકાણ(એફડીઆઇ)ના નિયમોના ભંગની શોધખોળ કરે છે એક તેમણે જણાવ્યું હતું. લંડનમાં વડુમથક ધરાવતી આ સમાચાર એજન્સીની દિલ્હી અને મુંબઇની કચેરીઓ પર આવકવેરા વિભાગે આ ફેબ્રુઆરીમાં દરોડાઓ પાડીન શોધખોળ હાથ ધરી હતી. કથિત આવકવેરા ચોરીની તપાસના ભાગરૂપે આ શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(બીબીસી) દ્વારા આ વર્ષની શરૂઆતમાં બે ભાગમાં એક ડોક્યુમેન્ટરી સિરીઝ રજૂ કરી હતી જેમાં ગુજરાતના ૨૦૦૨ના રમખાણો અંગેની બાબતો આવરી લેવામાં આવી હતી. જેના કેટલાક સપ્તાહો પછી તેની દિલ્હી અને મુંબઇની કચેરીઓ પર આવકવેરાના દરોડાઓ પડ્યા હતા. આ બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર વાકયુદ્ધ ફાટી નિકળ્યું હતું. ભાજપે બીબીસી પર ઝેરી પ્રચારનો આક્ષેપ કર્યો હતો જ્યારે કોંગ્રેસે દરોડાઓના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Most Popular

To Top