સમગ્ર જગત ચાર ખાણી (યોનિ) ના જીવો થકી હર્યું-ભર્યું સંતુલનથી લયબધ્ધ છે. જેમાં માનવ યોનિનાં જીવોમાં ખુદા-ઈશ્વર-પરવરદિગારે મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર જેવાં તત્ત્વો પ્રદાન કરી અન્ય જીવો પ્રત્યે વિચારવાની વિશેષ ઉપલબ્ધિ બક્ષી છે ! તેથી માનવ ભવ કિંમતી – મહામૂલો હોય એને સ્વછંદતાથી અસત્યના માર્ગે વેડફી નાંખવો યોગ્ય નથી એવું ધર્મ-અધ્યાત્મ પથદર્શી મહંત-મુનિઓ સુપેરે સમજાવતા હોય છે. સર્વધર્મ સર્વ સંપ્રદાય પ્રત્યે સમભાવ, વિવિધ જાતિ સમૂહ સાથે ઐકય અને અખંડિતતા સંદર્ભે સૂફી સંત સત્તારબાપુની વેધક વાણી ભારતીય બંધારણમાં આલેખાયેલી વાતોને દોહરાવતાં તેમના એક પદમાં તેઓ કહે છે – ‘‘કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયો કોઈ સૈયદ ને કોઈ શેખ, જ્ઞાને કરીને જોઈ લ્યો ભાઈ આતમ સૌનો એક, એવી ન્યાત પડી ગઈ નોખી રે, પણ માતા સૌને સરખા જણે…’’ હિન્દુ-મુસલમાન-પારસી-યહૂદી ખ્રિસ્તી વગેરેના વાડા તો આપણે પાડયા છે. પોતાનો ધર્મ જ સાચો એવી ગુલબાંગો હાંકીને, આપસમાં વર્ગવિગ્રહ ધર્મવિગ્રહ ઊભા કરી સમાજને વેરવિખેર કરવાની પોલિસી – આપસમાં લડાવી મારવાની પેરવીથી આપણે સજાગ થવાની જરૂર છે. આપણો દેશ ‘‘બિન સાંપ્રદાયિક – સર્વધર્મ સમભાવ’’ ની ઉચ્ચ ગરિમાને પ્રાધાન્ય આપે છે. ભારતીય બંધારણના ઘડવૈયા મહાપુરુષોના કેસરિયા વાઘા, ભગવાં વસ્ત્રો ધારણ કર્યાનો’ તાં, એવા સતપુરુષોને કોટિ કોટિ વંદન….
કાકડવા (ઉમરપાડા)- કનોજભાઈ વસાવા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મંદિર નહીં માનવીના જીર્ણોધ્ધારની જરૂર છે
માનવજીવન ઝડપી બની ગયું છે. પ્રત્યેક માણસ ભારે ઉતાવળમાં હોય છે. ઉતાવળ… તે પણ છેતરાઈ જવાની! સાધુ ગુનેગાર બને પણ લોકો પણ નિર્દોષ હોતા નથી. માણસ ભગવા વસ્ત્રો જોઈને તેની પાછળ દોટ મૂકે છે. હમણા થોડા થોડા સમયે ચમત્કારી બાબાઓનું પ્રાગટ્ય વધી ગયું છે. એવા બાબાઓની બેહૂદી હરકત અને ચેનચાળા જોઈ ધર્મઘેલી પ્રજાને ગાંડપણનો ભયંકર ઉભાર આવે છે. સેક્સ એ કુદરતી છે, બ્રહ્મચર્ય અને ઉપવાસ એ શરીર અને મન પરનો અત્યાચાર છે. બ્રહ્મચર્યનો મહિમા ગાતો સાથુ રાતના અંધારામાં સેક્સના વિચારોમાં ગળાડૂબ હોય છે.
12-12 જેટલી બાળા પર બળાત્કાર કરનાર સાધુને આજીવન કેદની સજાના દાખલા છે. એવા સાધુઓનું બેંક બેલેન્સ પણ અધધધ હોય છે. મંદિરના જીર્ણોધ્ધાર કરતા માનવીના જીર્ણોધ્ધારની જરૂર છે. દાઢી-જટા-માળા-ટીલા-ટપકાથી સાધુ બનાતુ નથી. માણસને સાચી દિશા-રાહ ચિંધે તે સાચો સંત છે. આજકાલ ધર્મના બજારમાં અધર્મનો વેપાર ધમધોકાર ચાલે છે. સત્તા માટે રાજકારણીઓ અને ગાદીપતિ બનવા ધર્મગુરૂઓની ધમપછાડ, કાવાદાવા, ઘોર કપટ- લંપટ લીલા એ સમાંતરે ચાલે છે.
આશ્રમ એ આવા ઠગ, પીંઢારા-લૂટેરા લંપટ સાધુઓનું વડુમથક રહેતુ હોય છે. ઈતિહાસ જોતા માનવ આપત્તિના મૂળમાં ધર્મ અને ઈશ્વર સિવાય બીજુ કશું જ દૃષ્ટિગોચર થતુ નથી. દેશનો મુખ્ય નેતા (અભિનેતા) ટનબંધી દૂધને મૂર્તિ પર ઠાલવનાર, ગંગાના ગંદા પાણીમાં ડૂબકી મારનાર, માળા-ટીલાં-ટપકાં અને ધાર્મિક ક્રિયાકાંડ દ્વારા દેશવાસીની અંધશ્રધ્ધાને કેવી રીતે નિર્મૂળ કરશે એ પ્રશ્ન છે. દેશવાસી શું પ્રેરણા લેશે. જ્યાં સુધી ધર્મ અને ઈશ્વર વિશેની આપણી વિકૃત મનોદશા અને અબૌધિક વિચારધારાથી મૂક્ત ન બનીશું ત્યાં સુધી મનુષ્યને શાંતિ અને સુખ સંભવ નથી. આપણે તો મંદિરઘેલાના નશામાં ચકનાચૂર અને વ્યસ્ત છે.
વ્યારા- બાબુ દરજી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.