સરકારી અહેવાલ મુજબ ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશમાં સ્થાયી થવા જતાં રહેલાં ભારતીયોની સંખ્યા ૨૦૨૧માં એક લાખ ૬૦ હજારની હતી જે ૨૦૨૨માં વધીને એ એક લાખ ૮૦ હજારની થઈ હતી. અહેવાલ મુજબ એકધારી અને વધતી રફતારે લોકો ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશમાં સ્થાયી થવા જતાં હોય એવું પહેલી વાર જોવા મળી રહ્યું છે. આવું કેમ બની રહ્યું છે? એક યુગ હતો, જ્યારે બ્રેઈન ડ્રેઈન એટલે કે ભારતનું બુદ્ધિધન વિદેશમાં જતું હતું અને તેને અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. ભારતની ગણના આજે પણ વિકાસશીલ દેશ તરીકે જ થાય છે, પણ ચાર દાયકા પહેલાં દેશ વિકાસની સીડી ઉપર હજુ ઘણે નીચે હતો અને ત્યારે મધ્યમ વર્ગનાં સંતાનો વિદેશમાં ભણવા માટે જતાં હતાં અને ત્યાં જ સ્થાયી થઈ જતાં હતાં.
દેશમાં ભણીને દેશમાં જ પોતાની જગ્યા બનાવવાની જગ્યાએ અને એ દ્વારા એક વિકસિત દેશ તરીકેની વિશ્વમાં ભારત માટે જગ્યા બનાવવાની જગ્યાએ વિદેશ જતાં રહેનારાઓ અને વિદેશની સેવા કરનારા બુદ્ધિશાળી પણ સ્વાર્થી લોકોની ત્યારે નિંદા કરવામાં આવતી હતી. આગળ જતાં આવાં વિદેશમાં સ્થાયી થયેલાં મૂળ ભારતીયો નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ તરીકે ઓળખાવા લાગ્યાં, જેને નિંદા કરનારાઓ નોન રિસ્પોન્સીબલ ઇન્ડિયન્સ તરીકે ઓળખાવીને તેમની ભર્ત્સના કરતાં હતાં. મારી વયનાં વાચકોને આ યાદ હશે.
મધ્યમ વર્ગનાં લોકો ત્યારે બે દલીલ કરતાં હતાં. એક તો એ કે અનામતના કારણે અમારાં સંતાનોને અન્યાય થઈ રહ્યો છે એટલે તેમને વિદેશ ભણવા મોકલવાં પડે છે. તેઓ બીજી દલીલ એવી કરતાં હતાં કે ભારતમાં ગુણવત્તાવાળું શિક્ષણ આપનારી કોઈ શિક્ષાસંસ્થા નથી અને એ ઉપરાંત અહીં સગાંવાદ, અમલદારશાહી અને ભ્રષ્ટાચાર એટલાં પ્રબળ છે કે મેરીટ હોવા છતાં તેજસ્વી માણસને અન્યાય થાય છે. ટૂંકમાં બુદ્ધિશાળી માણસ માટે ભારતમાં કોઈ ભવિષ્ય નથી. તેમને સાથ આપતા મૂડીવાદીઓ દલીલ કરતા હતા કે જ્યાં લીલો ચારો મળે ત્યાં જનાવર ચરવા જાય એ ન્યાયે જ્યાં તક નજરે પડતી હોય ત્યાં માણસ જાય.
આમાં દેશપ્રેમને વચ્ચે લાવવાની જરૂર નથી અને જો દેશપ્રેમ વચ્ચે લાવવો જ હોય તો આપણી શિક્ષણની ગુણવત્તા વિકસિત દેશોના સ્તરે ઉપર લઈ જવી જોઈએ અને સગાંવાદ, અમલદારશાહી અને ભષ્ટાચારની જગ્યાએ મેરીટની કદર થવી જોઈએ. તેઓ સલાહ આપતા હતા કે આ બધું ત્યારે થાય જ્યારે સરકાર અંકુશો દૂર કરીને ખુલ્લી નીતિ અપનાવે. ટૂંકમાં અ-સરકારી અસરકારી એવી તેમની સલાહ હતી.
૧૯૮૦ પછીથી આઈઆઈટી, આઈઆઈએમ, એઈમ્સ જેવી વિદ્યાસંસ્થાઓ વૈશ્વિક સ્તરનું શિક્ષણ પામેલાં વિદ્યાર્થીઓ પેદા કરવા લાગી (થેક્સ ટુ જવાહરલાલ નેહરુ) અને ૧૯૯૦ પછી નરસિંહ રાવે અને ડૉ. મનમોહન સિંહે આર્થિક સુધારા કર્યા, જેને પરિણામે ભારતનું બુદ્ધિધન વિદેશ જતું અટકી તો નહોતું ગયું, પણ તેના પ્રમાણમાં ખાસ્સો ઘટાડો થવા લાગ્યો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તો ભારતે ડંકો વગાડ્યો અને વિદેશથી લોકો નોકરી કરવા ભારત આવવા લાગ્યા. તો પછી એવું તે શું થયું કે બ્રેઈન ડ્રેઈનની સમસ્યા પાછી પેદા થઈ અને એ પણ ઉપર કહ્યું એમ બે વરસથી એકધારી અને વધતી રફતારે?
બુદ્ધિશાળી વાચકો માટે આનો જવાબ શોધવો અઘરો નથી. આનું કારણ એ છે કે ભારતની તમામ શિક્ષણસંસ્થાઓ ઉપર હિન્દુત્વવાદીઓએ કબજો જમાવ્યો છે અને તેમની પ્રાથમિકતા શુદ્ધ શિક્ષણ નથી પણ તેમને માફક આવે એવું શિક્ષણ છે. તેમણે માત્ર શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો નથી કર્યો, શિક્ષણના સ્વરૂપ ઉપર પણ કબજો જમાવ્યો છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો તેઓ શિક્ષણસંસ્થાઓમાંથી હિંદુ પેદા કરવા માગે છે અને માટે શિક્ષણનું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રેવિટીની જગ્યાએ ગાય અને ગોબરની વૈજ્ઞાનિકતા ભણાવવામાં આવવાની હોય તો કયો સમજદાર માણસ પોતાનાં સંતાનોને તેમાં ભણાવે? અત્યારે દેશની શિક્ષણસંસ્થાઓ જે સ્વરૂપ પામી રહી છે તે માત્ર ભક્તો માટે ઉત્તમ કક્ષાની છે. બાકીનાં લોકો ડરે છે. પોતે પણ ડરે છે અને પોતાનાં સંતાનના ભવિષ્યની બાબતે પણ ડરે છે.
થોડા મહિના પહેલાં સરકારે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી તેની પાછળનું કારણ પણ આ જ છે. તેમને ખબર છે કે તેમના સહિત ખાસ વર્ગનાં લોકોનાં સંતાનો માટે ધોરણસરનું શિક્ષણ જરૂરી છે. વિદેશની યુનિવર્સિટીઓ પર સરકારી અંકુશો નહીં હોય અને ત્યાં ધોરણસરનું શિક્ષણ આપવામાં આવશે. બાકી સરકારી અંકુશો ધરાવતી યુનિવર્સિટીઓમાં ભક્તોનાં સંતાનો ભણશે, ગરીબ વર્ગનાં સંતાનો ભણશે અને ભક્તો પેદા કરવામાં આવશે. સમાજ બંધિયાર થવા લાગે, પિંજરે પૂરાવા લાગે ત્યારે ખુલ્લા સમાજમાં માનનારાઓ ગુંગળામણ અનુભવે છે અને અન્યત્ર ઉચાળા ભરે છે. જગત આખામાં આવું જોવા મળ્યું છે. આ કોઈ નવી વાત નથી. ભારતમાં જે બની રહ્યું છે એ દુનિયા જોઈ રહી છે, તેને માટે રાહુલ ગાંધીની ટીપ્પણીની રાહ જોવાની જરૂર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.