ખેડા: માતર સી.એચ.સીના ડોક્ટરના વસો સ્થિત ખાનગી દવાખાનામાં ઓપરેશન બાદ મહિલાનું મોત થતાં ભારે હોબાળો મચ્ચો છે. તેઓ પોતાની તબિયત નાદુરસ્ત હોવાછતાં ડોક્ટરે સગર્ભા મહિલાનું સિઝર ઓપરેશન કર્યું હોવાનું તેમના જ પત્રો પરથી જણાઈ આવ્યું છે. જોકે સરકારની આંખમાં ધુળ નાંખી મેડિકલ લીવના બહાને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતા હતાં ? તે દિશામાં પણ તપાસ કરવા માગ ઉઠી છે.
માતર સી.એચ.સીમાં ફરજ બજાવતાં ડો.રમણ ભરવાડે વસો સ્થિત ખાનગી દવાખાનામાં સગર્ભાનું સિઝર ઓપરેશન કર્યું હતું. જેમાં બાળકીને જન્મ આપ્યાં બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. ડોક્ટરની બેદરકારીને પગલે જ મહિલાનું મોત નિપજ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતાં. જેને પગલે મામલો ગરમાયો હતો. બીજી બાજુ આ ડોક્ટર માતર સીએચસીમાં નોકરી ચાલુ હોવાછતાં ગેરકાયદેસર રીતે ખાનગી દવાખાનામાં પ્રેક્ટિસ કરતાં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આ મામલે માતર સીએચસીમાં તપાસ કરતાં, ડોક્ટરે ગત તા.26-9-22 ના રોજ ગાંધીનગરને પત્ર લખી તા.31-12-22 થી સ્વૈચ્છિક રાજીનામું મંજુર કરવા જણાવ્યું હતું અને તા.1-1-23 થી હું મારી ફરજ પર રહેવાનો નથી તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. પરંતુ, ડોક્ટર 31 માર્ચ સુધી નિયમીતપણે ફરજ પર હાજર રહ્યાં હતાં. તે જોતાં સ્વૈચ્છિક રાજીનામું મંજુર થયું ન હોવાનું ડોક્ટરે ખુદ સ્વીકારી લીધું હોવાનું સ્પષ્ટ થયું હતું.
છેલ્લે 31 મી માર્ચના દિવસે ફરજ પર હાજર રહેલાં ડોક્ટરે તારીખ 1લી એપ્રિલના રોજ નાયબ નિયામકને પત્ર લખ્યો હતો. જેમાં, હું મારી નાદુરસ્ત તબિયતને કારણે તા.1-4-23 ની ફરજ પર હાજર રહી શકું તેમ નથી. હું મારી ફરજ પર હાજર થયે અનફિટ તથા ફિટનું દાક્તરી પ્રમાણપત્ર રજુ કરીશ તેવું જણાવ્યું હતું. જે બાદ તેઓ આજદિન સુધી ફિટ હોવાનું પ્રમાણપત્ર રજુ કરી ફરજ પર હાજર થયાં નથી. જે મુજબ જોવા જઈએ તો ડો.રમણ ભરવાડ પોતાની તબિયત નાદુરસ્ત હોવાછતાં વસો સ્થિત ખાનગી દવાખાનામાં પ્રેક્ટિસ કરી રહ્યા હતાં અને ચાર દિવસ અગાઉ માતરના વર્ષાબેન ચૌહાણનું સિઝર ઓપરેશન પણ કર્યું હતું. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર બાબતોને લઈ ડો.રમણ ભરવાડ ઉપર ગાળીયો કસાયો છે. આ મામલે હાલતપાસ ચાલી રહી છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર ત્રણ મહિને માતા મરણની મિટીંગ યોજવામાં આવે છે. છેલ્લે તારીખ 29 મી માર્ચને રોજ આ મિટીંગ યોજાઈ હતી. જેમાં ડો.રમણ ભરવાડના ખાનગી દવાખાનામાં ત્રણ મહિના અગાઉ બામરોલીની પ્રસુતાનું મોત નિપજ્યું હોવા અંગેની નોંધ લેવાઈ હતી.