ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવના પગથિયા પર છેલ્લાં ઘણાં સમયથી લીલનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે તળાવના પવિત્ર પાણીનું આચમન કરવા જતાં શ્રધ્ધાળુઓ પગથિયા પરની લીલમાં લપસી પડે છે. રવિવારના રોજ 40 કરતાં વધુ શ્રધ્ધાળુઓ તળાવના પાણીમાં લપસ્યાં હતાં. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા વહેલીતકે લીલની સફાઈ કરવામાં આવે તે જરૂરી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરની સામે પવિત્ર ગોમતી તળાવ આવેલું છે. દ્વારિકા નગરી છોડી ડાકોર આવેલાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી આ પવિત્ર ગોમતી તળાવના પાણીમાં સંતાયાં હોવાથી, આ તળાવનું વિશેષ મહત્વ રહેલું છે.
જેને પગલે મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ ગોમતી તળાવની અવશ્ય મુલાકાત લે છે અને તળાવનાં પવિત્ર પાણીનું આચમન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને પુનમ તેમજ રવિવારના દિવસોમાં તળાવ કિનારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. જે અંતર્ગત ચૈત્રી પુનમ પછીના રવિવારે ગોમતીઘાટ પર હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં. જે પૈકી મોટાભાગના શ્રધ્ધાળુઓ તળાવના પવિત્ર પાણીનું આચમન કરવા ઉતર્યાં હતાં. દરમિયાન તળાવના પગથિયા પર જામેલી લીલને પગલે 40 કરતાં વધુ શ્રધ્ધાળુઓના પગ લપસ્યાં હતાં. જોકે, ઘાટ ઉપર ઉંડાઈ ઓછી હોવાથી કોઈ અણબનાવ બન્યો ન હતો. પરંતુ, શ્રધ્ધાળુઓના કપડાં, મોબાઈલ, પાકીટ સહિતની ચીજવીસ્તુઓ પાણીમાં પલળી ગઈ હતી.
જો તંત્ર આ મામલે ગંભીરતા નહીં દાખવે તો આવનાર દિવસોમાં ગોમતી તળાવમાં લીલને કારણે પગ લપસવાથી શ્રધ્ધાળુઓના ડુબી જવાના બનાવો બનવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે પવિત્ર ગોમતી તળાવના પગથિયા પરની લીલની સફાઈ કરવામાં આવે તે જરૂરી છે. યાત્રાધામ ડાકોરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ અને નગરપાલિકા બન્ને દ્વારા સફાઇ સહિતના કામો પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વના એવા ગોમતી તળાવ પાછળ સફાઇના નામે કોઇ જ નોંધપાત્ર કાર્યવાહી થતી ન હોય તેવું ભાસી રહ્યું છે. જેના કારણે અહીં આચમન લેવા જતાં અનેક ભક્તોના પગ લપસ્વાના બનાવ બની રહ્યાં છે.