વડોદરા: વડોદરા જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં દિપડાની અવરજવર હવે સામાન્ય બાબત છે. ત્યારે વડોદરાના વાઘોડિયાના દેવકાંઠાના વ્યારા ગામે પણ દિપડો જોવા મળ્યો છે. જો કે, દિપડો એવી હાલતમાં જોવા મળ્યો કે, તેને જોનારા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ વનવિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયાના દેવકાંઠાંના વ્યારા ગામે દિપડાનો શિકાર થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં શિકારીઓ દ્વારા દીપડાની પૂછડી સહિત પંજા સાથે છેડછાડ કરાયું હોવાનું જાણવા મળેલ છે. જે અંગે ગામના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા ઘટના સ્થળે પહોંચીને જોતા દિપડાનો શિકાર કરી તેની સાથે છેડછાડ કરાઈ હોવાનું માલુમ પડતા ગામના લોકો દ્વારા આ ઘટના અંગે વાઘોડિયા વનવિભાગને જાણ કરી હતી.
વનવિભાગને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આયા હતા. જો કે, આ મામલે વાઘોડિયા વનવિભાગ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહી હતી. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડીયો ગ્રામજનો દ્વારા મીડિયાને મોકલતા ના છુટકે વનવિભાગે દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથધરી છે. મહત્વનું છે કે, આ પહેલી વખત વાઘોડિયા પંથકમાં દીપડાનો મૃતદેહ મળ્યો હોય તેમ નથી. અગાઉ પણ વાઘોડિયા પંથકમાં 6 માસ અગાઉ દીપડાનો મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે બાદ હવે ફરી વખત દીપડાનો મૃતદેહ મળી આલતા ગ્રામજનો દ્વારા તાંત્રિક વિધી માટે દીપડાનો શિકાર કરાતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ વારંવાર વન્યજીવ પર હુમલો થતો હોવા છતાં વનવિભાગે મૌન ધારણ કરતા અનેક સવાલો પણ ઉઠતા જોવા મળી રહ્યા છે.