નડિયાદ : મહુધા તાલુકાના ચુણેલ ગામે ખેતરની વાડ સાફ કરવા સગા કાકા-ભત્રીજા વચ્ચે ધારિયાવાળી થતા કાકાએ ભત્રીજાને ધારિયાના બે ઝટકા મારી સ્થળ પર જ કાસળ કાઢી નાખતા ચકચાર મચી છે. તેમજ ભત્રીજા વહુને ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. મળતી માહિતી પ્રમાણે ચુણેલ બલાઢી રોડ પર હિંમતસિંહ પરમાર તેમજ નરેન્દ્રસિંહ પરમારની વડીલો પાર્જીત જમીન છે. ગામમાં ચર્ચાતી વાતો મુજબ ખેતરની વાડ સાફ કરવા મામલે કાકા અને ભત્રીજાને અંદરો અંદર બોલવાનું થયું હતું.
આખરે બોલાચાલી એટલી ઉગ્ર બની કે, બન્ને મારામારી પર આવી ગયા હતા અને હિમ્મતસિંહે તેઓના સગા ભત્રીજા નરેન્દ્રસિંહ પર ધારિયાથી હુમલો કરી દીધો હતો. નરેન્દ્રસિંહને ગળાના પાછળના ભાગે અને માથા પર ધારિયું માર્યુ હતુ. જેથી સ્થળ પર જ તેમનું મોત થયુ છે. તેમને બચાવવાં વચ્ચે પડેલા તેમના પત્ની સરોજબેનને પણ વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોચાડી હતી. સ્થળ પર બુમાબુમ થતા આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરી સરોજબેનને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં આરોપી હિમ્મતસિંહ પરમાર સ્થળ પરથી ભાગી ગયો હોવાની વિગતો મળી છે.જેને પકવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. ખેતરની વાડ સાફ કરવા જેવી નજીવી બાબત લોહીયાળ અંત આવતા નાનકડા ગામમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી.