નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર અષ્ટગામ પાસે કન્ટેનર પલ્ટી ખાઈ જતા આઈસર ટેમ્પાના ચાલકે ટેમ્પો ઉભી રાખતા પાછળ આવતા કન્ટેનર ચાલકે આઈસર ટેમ્પાને (Tempo) ટક્કર મારતા આઈસર ટેમ્પો આગળ ઉભેલા ટ્રકમાં (Truck) ઘુસી જતા આઈસર ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
- અષ્ટગામ પાસે ટેમ્પા પાછળ કન્ટેનર ભટકાયા બાદ ટેમ્પો આગળની ટ્રકમાં ઘુસી જતા ચાલકનું મોત
- આઈસર ટેમ્પાના ચાલકે ટેમ્પો ઉભો રાખતા પાછળ આવતા કન્ટેનર ચાલકે આઈસર ટેમ્પાને ટક્કર મારી
મળતી માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાટી ગામે નંદી ફળીયામાં હિરલભાઈ નભુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 7મીએ હિરલભાઈ ખેરગામ તાલુકાના કાકરવેરી ગામે ડવા ફળીયામાં રહેતા તેમના હરીલાલ ચંદુભાઈ પટેલ સાથે ખેરગામ શાકભાજી માર્કેટમાં આઈસર ટેમ્પો (નં. જીજે-21-ટી-7522) માં શાકભાજી ભરી સુરત સરદાર માર્કેટમાં ગયા હતા. જ્યાં તેઓ શાકભાજી ખાલી કરી પરત પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર અષ્ટગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કન્ટેનર પલ્ટી ખાઈ ગયેલી હાલતમાં પડેલો હોવાથી આગળ ચાલતી ટ્રકના ચાલકે બ્રેક મારી ટ્રક ઉભી રાખી હતી.
જેથી હિરેનભાઈએ પણ તેમનો આઈસર ટેમ્પો ઉભો રાખી દીધો હતો. પરંતુ પાછળથી આવતા કન્ટેનર (નં. એમએચ-04-જેયુ-3326) ના અજાણ્યા ચાલકે હિરેનભાઈના ટેમ્પાના પાછળના ભાગે ટક્કર મારી દીધી હતી. જેથી હિરેનભાઈનો આઈસર ટેમ્પો આગળ ઉભેલી ટ્રકની પાછળના ભાગે ઘુસી જતા હિરેનભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હીરાલાલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે કન્ટેનરના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.
નવસારીના ઉન હાઇવે પર બે વાહનો વચ્ચેના અકસ્માતમાં કેમિકલ રસ્તા પર ઢોળાયું
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર ઉન ગામ પાસે સળિયા ભરેલી ટ્રક અને કેમિકલ ભરેલા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કેમિકલ રસ્તા પર ઢોળાતા વધુ અકસ્માતો થવાની સંભાવના હોવાથી ફાયર વિભાગે રસ્તા પર પાણીનો મારો ચલાવી કેમિકલ રસ્તા પરથી હટાવી દીધું હતું.
મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે નં. 48 ઉપર ઉન ગામ પાસે સવારે સળિયા ભરેલા ટ્રક અને કેમિકલ ભરેલા કન્ટેનર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતને પગલે કેમિકલ ભરેલા કન્ટેનરમાંથી કેમિકલ હાઇવેના રસ્તા પર ઢોળાયું હતું. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનો સ્લીપ થતા અકસ્માત થવાની સંભાવના વર્તાઈ હતી. જેથી પોલીસ અને ફાયર વિભાગની ટીમ પાણીનો બંબો લઈ ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યાં તેઓએ થોડા સમય માટે કેમિકલ ઢોળાયેલો રસ્તો બંધ કરી દીધો હતો. અને ફાયરની ટીમે રસ્તા પર પાણીનો મારો ચલાવી કેમિકલ રસ્તા પરથી હટાવી દીધો હતો. જોકે ત્યાં સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે રસ્તો સાફ કર્યા બાદ ધીમે-ધીમે ટ્રાફિક હળવું કર્યું હતું. જયારે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.