નવસારી : કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એક એવો દિવસ જતો નથી જ્યારે પોલીસે ક્યાંકને ક્યાંકથી દારૂ પકડ્યો નહીં હોય. ઠેકઠેકાણે દારૂ વેચાતો અને પીવાઈ રહ્યો છે. દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગે છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેના લીધે ગુજરાત પોલીસની ઈજ્જતના લીરેલીરા ઉડી ગયા છે. નવસારીના સિસોદ્રામાં એક મહિલાએ પોતાના ઘરની બાજુની દુકાનમાં જ વિદેશી દારૂ વેચવાનું શરૂ કરી દીધું હતું.
સિસોદ્રા ગામે દુકાનમાંથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 39 હજારના વિદેશી દારૂની વેચાણ કરતી મહિલા સહીત 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે 1 મહિલા અને વિદેશી દારૂ આપી જનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે સિસોદ્રા ગામે વેરાઈ માતાના મંદિર પાસે વેરાઈ ફળીયામાં સીતાબેન રવિભાઈ હળપતિના ઘરની બાજુમાં આવેલી દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાંથી પોલીસને 39,160 રૂપિયાનો 376 નંગ બાટલીઓ તેમજ 320 રૂપિયાનો દેશી દારૂ મળી આવતા સિસોદ્રા ગામે વેરાઈ ફળીયામાં રહેતા સિતુભાઈ બાબુભાઈ હળપતિ અને સીતાબેન રવિભાઈ હળપતિને ઝડપી પાડ્યા હતા.
જ્યારે પોલીસે સુમનબેન ઉર્ફે કાવ્યા ઉર્ફે કાઉ મનોજભાઈ હળપતિ તેમજ વિદેશી દારૂ આપી જનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દેશી અને વિદેશી દારૂ સહીત 40 હજારની મોપેડ અને દારૂ વેચાણના 17,110 રૂપિયા મળી કુલ્લે 96,590 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વલસાડના કુંડી હાઇવે પરથી ટેમ્પોમાંથી છ લાખનો દારૂ ઝડપાયો
વલસાડ : વલસાડ તાલુકાના કુંડી હાઇવે પરથી એલસીબી પોલીસે બાતમીના આધારે ટેમ્પામાંથી ચોરખાનામાં લઈ જવાતા રૂ.6.6 લાખનો દારૂ ઝડપી પાડીને બેની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળેલી કે ટેમ્પામાં દારૂ લઈ જવાના હોય, જેના આધારે વલસાડ નજીકના કુંડી નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાનો માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો.
ટેમ્પામાં તપાસ કરતા ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.6.6 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 5,808 મળી આવી હતી. પોલીસે મહારાષ્ટ્રનો ટેમ્પો ચાલક જબ્બર શાહ બંદૂશાહ ફકીર અને મહેન્દ્ર સુભાષ કરોડપતિની ધરપકડ કરી છે. માલ ભરાવનાર વાપીનો સચિન ગોવિંદ રાવ ઠાકરે અને ભરતપાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કુલ રૂ.16. 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.