મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તેમની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં મુંબઈની ટીમ બોલિંગ અને બેટિંગ બંનેમાં સંપૂર્ણ ફ્લોપ રહી હતી. જોકે, ટીમ માટે કાળા વાદળની રૂપેરી કોર સમાન એક ખેલાડી રહ્યો હતો. અને તે હતો મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરેલો ડાબોડી બેટ્સમેન તિલક વર્મા. આરસીબીના બોલિંગ આક્રમણની સામે ઈશાન કિશન, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા બેટ્સમેનો પણ પોતાના પગ ક્રિઝ પર જમાવી શક્યા ન હતા.
પરંતુ તિલક ક્રિઝની બહાર નીકળીને એકથી વધુ શાનદાર શોટ લગાવ્યા હતા. મેદાન પર તિલકે જ્યારે ચોગ્ગા-છગ્ગાની રમઝટ મચાવી ત્યારે તેના માતા-પિતાની ખુશી જોવા જેવી હતી વાસ્તવમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ જોવા માટે તિલક વર્માના માતા-પિતા પણ પહોંચ્યા હતા. પુત્રની આ જોરદાર રમતથી તેમનું મન ખુશ થઈ ગયું હતું અને તિલકની 46 બોલમાં 84 રનની ઇનિંગને કારણે જ મુંબઇ ઇન્ડિયન્સ 7 વિકેટે 171 રન સુધી પહોંચી હતી, પણ તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતી શકી નહોતી.
ઇલેક્ટ્રિશિયન પિતાનું સપનું પુરૂ કરી રહ્યો છે તિલક વર્મા
તિલક વર્માના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે. પિતાનું સપનું હતું કે તિલક મહાન ક્રિકેટર બને. જો કે વચ્ચે કેટલીક એવી મજબૂરીઓ હતી કે તેઓ હિંમત હારી ગયા હતા, પરંતુ ત્યારે જ ક્રિકેટ કોચ સલામ બિશ આગળ આવ્યા અને તેમણે તિલકની કોચિંગ કરવા ઉપરાત તેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો. તિલકે પણ તેના પિતાની મજબૂરીઓને ધ્યાને લઇને તેમના સપનાઓને સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. સખત મહેનત અને સમર્પણને લીધે, તિલકે પોતાના કટ, પુલ્સ અને ડ્રાઇવ્સ અને બેટિંગના સ્ટાન્સથી થોડા જ સમયમાં ઝળકી ઉઠ્યો હતો.
તિલક આજે જે મંચ પર પહોંચ્યો છે, તેમાં તેના કોચ સલામ બૈશનું સૌથી મોટું યોગદાન ગણી શકાય. સલામ બેશ તિલકને નિખાર્યો અને જરૂરિયાત પડી ત્યારે તેને જમાડ્યો હતો. તદુપરાંત, તેમણે તિલકને તેમના પોતાના ઘરમાં રહેવાની જગ્યા પણ આપી. પિતા નામ્બુરી નાગરાજુ તેને એકેડેમીમાં મોકલવાનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોતા. પરંતુ સલામે તમામ ખર્ચો ઉઠાવીને તેનું ધ્યાન રાખ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સે તિલકને જાળવી રાખ્યો હતો
તિલક વર્માને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે વર્ષ 2022માં 1 કરોડ 70 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હરાજીમાં તિલક વર્માની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ હતી પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેની મજબૂત રમતને કારણે ઘણી ટીમોએ તેના પર હરાજીમાં બોલી લગાવી હતી. તિલકને 2022ની IPLમાં જ મુંબઈ માટે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ડેબ્યુ સીઝનમાં તેણે 14 મેચ રમીને 184.85ના સ્ટ્રાઈક રેટથી 397 રન બનાવ્યા. આ મજબૂત રમતને કારણે, ફ્રેન્ચાઇઝીએ તેને IPL 2023 માટે જાળવી રાખ્યો હતો. અને હવે પહેલી જ મેચમાં તેણે જે રીતે રમત દાખવી છે તેને જોતા મુંબઇ ઇન્ડિયન્સને લાગ્યું હશે કે તેને રિટેન કરવામાં તેમણે કોઇ ભુલ કરી નથી.