સુરત : પોતાની ઓળખ જીએસટી (GST) અધિકારી તરીકે આપીને 12 લાખ રૂપિયાનો તોડ 3 ઠગો (Fraud) દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં વેપારીને (Trader) ડરાવીને તથા સીસીટીવી (CCTV) કેમેરા બંધ કરીને ઠગો ખૂબ સિફતાઇથી પોતાનો ખેલ કરીને ચાલ્યા ગયા હતા. વેપારી દ્વારા તેમના સીએને બે દિવસ પછી પૂછવામાં આવતા કોઇ જીએસટી કચેરીથી અધિકારીઓ ન આવ્યા હોવાનું માલુમ પડતા વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
- વરાછાની જૂની બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવતાં ધીરજસિંહ રાજપુતને ગઠીયાઓએ ભારે ધમકાવ્યા હતા
- પાંચ કરોડનું ટર્ન ઓવર હોવાથી તારે 80 લાખ પેનલ્ટી સાથે હમણાં જ આપવા પડશે, નહીંતર જેલમાં જશે
- ધીરજસિંહ 7 લાખ રૂપિયા દુકાનમાંથી અને 5 લાખ રૂપિયા ઘરમાંથી આપી દીધા, બાદમાં સીએને જાણ કરતાં ઠગાયાની ખબર પડી
આ મામલે ધીરજસિંહ મંગલસિંહ રાજપુત (રહે., રેશ્મા રો હાઉસ, સોનલ રેસિડેન્સીની સામે, પૂણા-મગોબ રોડ, પૂણા ગામ) દ્વારા ફ્રોડ જીએસટી અધિકારીઓ સામે ફરિયાદ આપવામાં આવી હતી. તેમાં તા. 30 માર્ચ 2023ના રોજ સાંજના સવા પાંચ વાગ્યાના સુમારે 3 જેટલા લોકો પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકે આવીને તેઓની વરાછા જૂની બોમ્બે માર્કેટ આઇ 15માં આવેલી દુકાનમાં ધસી આવ્યા હતા.
આ લોકોએ ધીરજસિંહને તમારે 80 લાખ રૂપિયા જીએસટી ભરવાના થાય છે તેમ કહીને ઠપકાર્યા હતા. તમે સાડી કરતા ચણિયાચોળી વધારે વેચો છો અને કાગળ પર તમે સાડી બતાવી રહ્યા છો. સાડી પર પાંચ ટકા જીએસટી લાગે છે અને ચણીયાચોરી પર 12 ટકા. તમે સાત ટકાની ચોરી કરી છે.
તમારૂં ટર્ન ઓવર પાંચ કરોડ છે તેથી તમારે 80 લાખ રૂપિયા ભરવાના થાય છે. પોતાની પાસે આટલા નાણા નહી હોવાનું જણાવતા બનાવટી જીએસટી અધિકારીઓ કહ્યું હતું કે, તારૂં નામ દૈનિક પેપરોમાં આવશે. તારી દુકાન અને બેંક એકાઉન્ટ અમે સીલ કરાવી દઇશું. તારે હમણા જ 45 લાખ રૂપિયા તો અમારી કચેરીને આપવા જ પડશે નહીતર તારી સામે અમે ગુનો દાખલ કરીશુ અને તારે 10 વર્ષ જેલમાં રહેવું પડશે તેમ કરીને પંચનામાનું નાટક કર્યુ હતું. આ ધમકીઓને કારણે ધીરજસિંહ ગભરાઇ જતાં તેઓએ સાત લાખ રૂપિયા દુકાનમાંથી અને પાંચ લાખ રૂપિયા ઘરેથી લાવીને આ 3 ઠગોને આપી દીધા હતા.
ઠગોએ દુકાનમાં ઘૂસીને સીસીટીવી કેમેરા પણ બંધ કરાવી દીધા
ધીરજસિંહે 12 લાખ રૂપિયા આપ્યા બાદ બે દિવસ પછી તેમના સીએ વિપુલ કારીયાને આ ઘટના જણાવી હતી. જેથી બોગસ અધિકારીઓની પોલ ખુલી હતી. વિપુલ કારીયાએ તપાસ કરતા જીએસટી વિભાગમાંથી કોઇ નહી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જીએસટીના અધિકારીઓના સ્વાંગમાં જે લોકો આવ્યા હતા તે લોકોએ દુકાનને અંદરથી તાળુ મારી દીધું હતું. આ ઉપરાંત સીસીટીવી કેમેરા બંધ કરાવી દીધા હતા. તેઓએ સીસીટીવીની કેસેટ પણ પોતાના કબ્જાલમાં લઇ લીધી હતી.
ઠગો કીયા કારમાં બેસીને પાંચ લાખ લેવા ગયા
બનાવટી જીએસટી અધિકારીઓ તમે 12 લાખ રૂપિયા આપી દો, તો અમે પતાવી દઇશું તેમ કહેતા સાત લાખ રૂપિયા ધીરજસિંહે દુકાનમાંથી આપી દીધા હતા. જયારે પાંચ લાખ રૂપિયા લેવા માટે આ 3 ચીટરો કીયા કારમાં બેસીને ધીરજસિંહના ઘરે ગયા હતા. જ્યાંથી તેઓએ પાંચ લાખ રૂપિયા પડાવીને રફૂચક્કર થઇ ગયા હતા.