કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લોકસભાના સાંસદ રાહુલ ગાંધીને હાલમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી. ત્યાર બાદ લોકસભાના સાંસદ તરીકે પણ સસ્પેન્ડ થયા. આથી કોંગ્રેસ પર મોટી આફત આવી પડી છે. ત્યાર પછી રાહુલે નિવેદન કર્યું કે હું કાંઇ સાવરકર નથી કે માફી માંગું. આવા ઉચ્ચારણના કારણે સાવરકરના પૌત્ર રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો કરનાર છે. આ બધી ઉપાધિ બેફામ જબાનના કારણે આવી છે. કહેવાય છે કે જબાન સારી હોય તો અનેક સંબંધો સુધરે છે, જયારે જબાન પર કાબૂ ન રહે તો અનેક ઉપાધિ આવે છે, જેનું પરિણામ રાહુલે જોયું છે. આજે રાહુલ ગાંધીની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ છે. ઉપરી કોર્ટમાંથી જયારે ચુકાદો આવશે ત્યારની વાત છે.
હાલ તો સામનો કરવાનો છે. 2019ની લોકસભાની ચૂંટણી વેળા કેરળની એક જાહેર સભામાં રાહુલે લલિત મોદી, નિરવ મોદી આમ બધા મોદી ચોર કેમ છે, આવું જાહેરમાં બોલેલા આથી સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની અદાલતમાં દાવો દાખલ કરેલો. જેનો ચુકાદો આવી ગયો જેમાં રાહુલને બે વર્ષની સજા થઇ છે. પાંચ વર્ષ ચૂંટણી લડી ન શકે તેવી પાબંધી આવી છે.આથી હવે રાહુલ – ગાંધીએ જબાન પર લગામ લાવવાની જરૂર છે.
તરસાડા –પ્રવીણસિંહ મહીડા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લક્ષ્મીનું મૂલ્ય કે અવમૂલ્યન
લક્ષ્મી એટલે સામાન્ય અર્થમાં રૂપિયા.પણ વ્યાપક અર્થમાં લક્ષ્મી એટલે સદ્દભાગ્ય, સૌંદર્ય, સિદ્ધિ કે સમૃદ્ધિ.ઘરની દીકરી- વહુને પણ લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ધનતેરસ (ધેનુ તેરસ) ને દિવસે લક્ષ્મીની પૂજા થાય છે. પછી એ નાણાં હોય, સોના – ચાંદી ના સિક્કા હોય કે લક્ષ્મીજીની મૂર્તિ સ્વરૂપે હોય! જે લક્ષ્મીની પૂજા થતી હોય એને ઉછાળી કે ફેંકી શકાય કે કેમ? હવે જુદા જુદા લોકડાયરાઓમાં અને વ્યક્તિ દીક્ષા લે ત્યારે આ જ નાણાં ( નોટો)ને ઉછાળવા કે સિકકા ઉપરથી ફેંકવામાં આવે ત્યારે જે તે વ્યક્તિ (કલાકાર)નું મૂલ્ય થાય છે અને લક્ષ્મીનું અવમૂલ્યન.
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.