Charchapatra

નર્મદા કેનાલમાં વારંવાર ગાબડાં કેમ પડે છે

હવે કુદરત રૂઠી હોય એમ લાગે છે. ગમે ત્યારે વરસતો વરસાદ ઊભા પાકને, ફળોને તથા મંડળીમાં ખેડૂતો દ્વારા ખરીદાયેલ અનાજના ભંડારને ભયંકર નુકસાન થઇ રહ્યું છે. ખેતરમાં ઊભા પાકને થતું નુકસાન બચાવવાનો કોઇ માર્ગ નથી પરંતુ ખરીદાયેલા અનાજને મંડળીએ જમીનથી ત્રણ ફૂટ જેટલા ઊંચા ચારે તરફથી બંધ ગોડાઉન બનાવવામાં આવે તો મંડળીને તથા ખેડૂતોને થતું નુકસાન બચાવી શકાય. આપણે જોયું કે વરસાદને કારણે અનાજમાંથી ફણગા ફૂટેલા હોય છે અને આને કારણે અછત ઊભી થતા આમજનતાને ઊંચા ભાવો ચૂકવવાનો વારો આવે છે. એક જ વખતનો આવો બગાડ અટકાવતાં નવાં ગોડાઉન બની શકે અને કાયમી ઉકેલ આવે.

આવી જ હાલત સુગર ફેકટરીની છે ત્યાં પણ ઉત્પાદિત ખાંડનો જથ્થો ખુલ્લામાં તાડપત્રી ઓઢાડી રાખવામાં આવે છે એ ચિંતાજનક વિષય તંત્રને કેમ દેખાતો નથી. વારંવાર નર્મદા કેનાલમાં ગાબડું  પડતાં (હાલ પંદર દિવસમાં બે વખત) ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયાના સમાચાર મળે છે. વરસાદ એ કુદરતી આફત છે. નહેરમાં ભંગાણ તંત્રની બેદરકારી છે. હવે થયેલ નુકસાન માટે ખેડૂતો હાથ ધરવાનો વિનંતી કરવાનું કરગરવાનું?! કેનાલ રીપેરીંગનો વત્તા ખેડૂતના નુકસાનીનું વળતર આ બેદરકારી અંગે કસૂરવાર નક્કી થતા નથી. પ્રજાના પૈસાનો ધૂમાડો. જયાં મૂળમાં વિનાશને રોકવાની જગ્યાએ ઝળહળતો વિકાસ. મોટાં મોટાં મંદિરો બનાવવાં, પ્રતિમાઓ બનાવવી, મંદિરોને સોનાથી મઢવાથી સામાન્ય વ્યકિતની વ્યથા દૂર થતી નથી. વિકાસ મૂળમાંથી હોવો જરૂરી.
અમરોલી            – બળવંત ટેલર  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખાલીસ્તાની ચળવળને તરત ડામો
દેશમાં ચર્ચામાં ફરાર ખાલીસ્તાની અમૃતપાલસિંઘ આજે દેશનો બીજો ભિંડરાનવાલે બની રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી જે અભિગમ અપનાવી રહી છે તે રાજય માટે અને તે પોતાના પક્ષ માટે પણ ઘણો જ ઘાતક પુરવાર થઇ શકે તેમ છે અને તેના કરતાં ય વધુ આપણા રાષ્ટ્ર માટે ઘાતક બની રહેવાની સંભાવના છે. રાજકીય વિશ્લેષકોના મતાનુસાર ફરાર અમૃતપાલના ઇરાદા ભિંડરાનવાલેની જેમ ખતરનાક છે તેથી તેને જો અત્યારે જ ઊગતો ડામી દેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તે મોટો ખતરો બની શકે એમ છે અને પંજાબને ફરીથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના ખપ્પરમાં હોમી દઇ શકે એમ છે.

પંજાબ સરકારે પોલીસ સ્ટેશનમાં એક વાર કાયદો વ્યવસ્થા હાથમાં લેનાર અમૃતપાલ સામે ઝૂકી ગઇ તેનું આ નવા ઘટનાક્રમો પરિણામ સાબિત કરે છે જેમાં પંજાબ સરકારની જવાબદારી ઓછી ન જ ગણાય. કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય અમૃતપાલની દરેક ગતિવિધિ અને પ્રવૃત્તિ ઉપર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કરી દેવાયા છે અને જરૂરી કડક પગલાંઓ લેવાઇ રહ્યાં છે જે દેશ અને સમાજહિતમાં જરૂરી હોઇ આવકાર્ય અને અભિનંદનીય છે.દેશવાસીઓ તરફથી ખાલીસ્તાનીઓને જણાવીએ કે ખાલીસ્તાન ન માંગો યારો પૂરા હિન્દુસ્તાન તુમ્હારા હૈ.
અમદાવાદ          – પ્રવીણ રાઠોડ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આભાર માનતા રહીએ
આપણા સૌના લોકપ્રિય દૈનિક ‘ગુજરાતમિત્ર’માં દરરોજ છેલ્લા પાના પર આપણી વચ્ચેથી વિદાય લેનાર વડીલો, સ્વજનો, મિત્રો અને શુભેચ્છકોને શ્રધ્ધાંજલિ, સ્મરણાંજલિ આપતી વિગતો પ્રસિધ્ધ થતી રહે છે. આપણે નસીબદાર છીએ કે આજે સવારે આપણે ઊઠયા છીએ, આવી વિગતો જોઇ રહ્યા છીએ અને આ દુનિયામાં શ્વસી રહ્યાં છીએ. આપણામાંના ઘણાં લોકો રાત્રે સૂઇ ગયા પછી સવારે ઊઠી શકતાં નથી. ગઇકાલે જીવિત વ્યકિત આજે સદ્‌ગત થઇ જાય છે. એક દિવસ આપણી સાથે પણ આવું જ થવાનું છે, નક્કી છે. પરંતુ જયાં સુધી આપણે જીવતાં હોઇએ ત્યાં સુધી આપણા સદ્‌ગત વડીલો, સ્વજનો, શુભેચ્છકો અને મિત્રોને યાદ કરતાં રહેતાં હોઇએ છીએ. ‘ગુજરાતમિત્ર’માં છેલ્લા પાના પર બત્રીસમી શ્રધ્ધાંજલિ, ત્રીસમી પુણ્યતિથિ કે પછી વીસમી કે પચ્ચીસમી પુણ્યતિથિ જેવી વિગતો જોઇને, વાંચીને એ ફલિતાર્થ સાંપડે છે કે આપણા ગયા પછી પણ આપણાં સ્વજનો, મિત્રો અને શુભેચ્છકો આપણને સતત યાદ કરતાં રહેતાં હોય છે. જીવતે જીવત આપણે એમની કદર કરતાં રહીએ અને એમનો આભાર માનતાં રહીએ.
નવસારી  – ઇન્તેખાબ અનસારી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top