SURAT

મેટ્રોનું કામ શરૂ કરવા પહેલાં જ આ વિસ્તારમાં બેરિકેડ મુકી રસ્તો બંધ કરી દેવાતા લોકો પરેશાન

સુરત: સુરત શહેર માટે અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સુરત મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં મેટ્રોની કામગીરી હજી શરૂ નથી થઈ ત્યાં પણ બેરીકેડ લગાવી દેતા લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના ઘણા વિસ્તારોમાં કે જ્યાં મેટ્રોનો એલિવેટેડ રૂટ બનશે ત્યાં મેટ્રોની કામગીરીને લઈ હમણાંથી જ બેરીકેડ લગાવી દીધા છે પરંતુ કામ થઈ રહ્યું નથી જેથી લોકોને હાલાકી થઈ રહી છે. અને હવે શહેરના વધુ એક મુખ્ય રસ્તા એવા પાલનરપુર જકાતનાકા રસ્તા પર બેરીકેડ લગાવી રસ્તો બંધ કરી દેતા સ્થાનિકોમાં ભારે રોષ છે.

  • મેટ્રોની મોકાણ : હવે પાલનપોર જકાતનાકાનો રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન
  • ભેસાણથી સારોલી રૂટનુ કામ શરૂ થતા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાથી ગ્રસ્ત પાલનપોર જકાતનાકા વિસ્તારમાં પણ અણઘડ રીતે બેરીકેટ લોકોની મુશકેલી વધારશે

સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને અમુક જગ્યાએ રસ્તાઓ ડાઈવર્ટ કરાયા છે તો અમુક રસ્તાઓને નાના કરી દેવામાં આવ્યા છે ત્યારે સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કર્યા વગર જ મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત રસ્તો બંધ કરી દેવાતા આસપાસમાં રહેતા લોકો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રોજ રાત્રે અહીંથી સૌરાષ્ટ્ર જતા લોકો માટેની લક્ઝરી બસ પણ પસાર થાય છે. તે ઉપરાંત કંપનીની અને સ્કૂલની બસો પણ અહીંથી જ અવર-જવર કરી રહી છે. આ રસ્તો બંધ કરી દેવાતા મોટા વાહનો માટે પણ સમસ્યાઓ ઊભી થઈ છે. તેમજ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા પણ ન રહેતા લોકોને ભારે પરેશાનીઓ થઈ રહી છે.

Most Popular

To Top