ભરૂચ: ભરૂચના રામનગરમાં રહેતા મૂળ રાજસ્થાની રાજપૂત પરિવારની ત્રીજી બાળકીનું રહસ્યમય મૃત્યુ થતા માતા જ શંકાના કઠેરામાં આવી ગઈ છે. ત્રણેય બાળકીઓનાં મૃત્યુ વખતે માતા જ હાજર હોવાથી રહસ્યના તાણાવાણામાં હાલ મૃત્યુ પામનાર 6 વર્ષની બાળકીનું પેનલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
- પહેલી બાળકીનું 15 દિવસની ઉંમરે, બીજુનું હાલમાં ધૂળેટીએ અને ત્રીજીનું રવિવારે મૃત્યુ, ત્રણે વખતે માતા જ હતી હાજર
- કાકા બાળકીને લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા, તબીબોને ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું લાગતા પોલીસ બોલવાઈ: પેનલ પી.એમ. કરાશે.
ભરૂચના કોર્ટ રોડ પર એકતા નગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતી પરિવારો વસવાટ કરે છે. મૂળ રાજસ્થાનના ધોળપુરના કલ્યાણ રાજપૂત સાથે નાના ભાઈ મનોજ રાજપૂત અને તેમની પત્ની નંદિની રાજપૂત સહિતનો પરિવાર ભરૂચમાં રહે છે. રવિવારે બન્ને ભાઈઓ નોકરીએ ગયા હતા. અને ઘરે નંદિની રાજપૂત તેની 6 વર્ષીય પુત્રી અંશુ સાથે હતી. બાળકી બેભાન થઈ ગઈ હોવાની જાણ થતાં પિતા અને કાકા ઘરે દોડી આવ્યા હતા.
અંશુને તેના કાકા બાઇક પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેથી આ બનાવમાં હત્યાની શંકા ઉભી થતા સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. એ-ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરતા અગાઉ પણ આજ પરિવારની બે બાળકીના શંકાસ્પદ રીતે મોત થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આજે ત્રીજી બાળકીનું પણ શંકાસ્પદ મોત થતાં પોલીસ કાફ્લાએ બાળકીના ઘરે જઈ આજુ બાજુમાં રહેતા સ્થાનિક લોકોની પણ પૂછતાછ કરી તપાસ શરૂ કરી હતી. અગાઉ પહેલી બાળકીનું રાજસ્થાન અને બીજી બાળકીનું ધૂળેટીના તહેવાર સમયે મોત થયું હતું.
સિવિલના તબીબે બાળકીનું મોતનું પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો છે.