સુરત: એપેન્ડિક્સ ફાટી ગયું હોવા છતાં પણ શહેરની એક વિદ્યાર્થિનીએ ખૂબ જ પીડા સાથે હિંમત હાર્ય વિના બુલંદ ઇરાદા સાથે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા આપી હતી. પરીક્ષા ખંડમાં આ વિદ્યાર્થિનીના એક હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવી હતી તો બીજા હાથથી તેણે પેપર લખ્યું હતું. એટલું જ નહીં, આ વિદ્યાર્થિની પેપર લખતા લખતા બેભાન નહીં થઇ જાય તે માટે પરીક્ષા ખંડ બહાર ડોકટરની ટીમ ઇન્જેક્શન સહિતની દવા સાથે તૈનાત રાખવામાં આવી હતી.
આ વાત અલથાણમાં આગમ આદેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી અને શારદાયતન સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી ધ્રુમી ધવલ કાપડિયાની છે. ગત તારીખ 27 માર્ચે ધ્રુમીએ કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપી હતી. એ પછી મોડી રાતે તેણીને ઓચિંતા જ ઊલટી થવાની સાથે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેને કારણે ધ્રુમીના પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીને ઇન્જેક્શન સાથે દવા આપીને ઊલટી સાથે દુખાવો બંધ કરાવાયો હતો.
બોક્સ: ત્રીજા દિવસે રિપોર્ટમાં આવ્યું કે ધ્રુમીનું એપેન્ડિક્સ ફાટી જવા સાથે પેટમાં પર્સ ફેલાતા ઇન્ફેક્શન થયું છે
ત્યારબાદ બીજા જ દિવસે એટલે કે 28 માર્ચને સવારના ધ્રુમીને ફરી ઊલટી સાથે પેટમાં દુખાવો ઉપડતા પરિવાજનો હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેણીને ફરીથી ઇન્જેક્શન સાથે દવા આપીને ઊલટી અને પેટનો દુખાવો બંધ કરાવ્યો હતો.
વારંવાર ધ્રુમીને ઊલટી સાથે પેટમાં દુખાવો થવાના લક્ષણ જોતા ડો. કેયુર યાજ્ઞીકે તરત જ સોનોગ્રાફી, એક્સ-રે અને બ્લડ સહિતના રિપોર્ટ કરાવવા માટેનો આદેશ પરિવારજનોને કર્યો હતો. આ તમામ રિપોર્ટ ત્રીજા દિવસે 29 માર્ચના સવારના 11 કલાક આસપાસ આવ્યા હતા. જે રિપોર્ટમાં ધ્રુમીનું એપેન્ડિક્સ ફાટી ગયા હોવા સાથે પેટમાં પર્સ ફેલાતા ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું ડોક્ટરને જણાયું હતું.
ડોક્ટરે ઓપરેશન કરવા કહ્યું તો ધ્રુમીએ કહ્યું મે ખૂબ જ મહેનત કરી છે, હું પરીક્ષા આપવા જઈશ
આમ, આવી સ્થિતિ જણાતા જ ડો. કેયુરે તાત્કાલિક ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તે જ દિવસે બપોરે 3 કલાકે ધ્રુમીની ધો.12ની સોશિયોલોજી વિષની પરીક્ષા હતી. જેથી ધ્રુમીએ ડોક્ટરને કહ્યું હતું કે, મારે ત્રણ વાગ્યે પરીક્ષા છે અને હું તે આપવા જઈશ.., કારણ કે, મે ખૂબ જ મહેનત કરી છે. આમ, ધ્રુમીની આવી હિમંત જોઇ ડોક્ટર સાથે પરિવારજનો ચોંકી ગયા હતા.
હોસ્પિટલથી સીધી જ પરીક્ષા આપવા પહોંચી
ધ્રુમીને તરત જ એક હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવીને પરીક્ષા સેન્ટર જીવન ભારતી સ્કૂલમાં મોકલાઈ હતી. જ્યાં પરીક્ષા ખંડમાં ધ્રુમીના એક હાથમાં ગ્લુકોઝની બોટલ હતી તો બીજા હાથથી પેપર લખી રહી હતી. ઉપરાંત ડોક્ટરની એક ટીમ પરીક્ષા ખંડ બહાર જ ઇન્જેક્શન સહિતની દવાઓ સાથે સ્ટેન્ડ બાય રખાય હતી.
જોકે, આખી પરીક્ષા દરમિયાન ધ્રુમીને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ ન હતી અને તેણે સારી રીતે પરીક્ષા અપાવી હતી. આ પરીક્ષા પૂર્ણ થયાના એક જ કલાકમાં ધ્રુમીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરાઈ હતી. હાલમાં ધ્રુમી તબીયત સારી હોવાનું ડોક્ટર દ્વારા જાણવા મળ્યું છે. ધ્રુમીની પરીક્ષાની તૈયારી પીડાં સહન કરતા હોસ્પિટલમાં જ કરી હતી.