SURAT

સુરતમાં જળકુંભીમાં ઘોડો ફસાઈ ગયો, બહાર કાઢવામાં ભારે પરસેવો પાડવો પડ્યો

સુરત: કોસાડ વિસ્તારમાં રેલવે ગરનાળા નજીક ગુરુવારે રાત્રે રસ્તાની સાઈડમાં વરસાદી કાંસમાં રસ્તા ઉપરથી તેના માલિક સાથે પસાર થતો એક ઘોડો પડી જતાં જળકુંભીમાં ફસાઈ ગયો હતો. ઘોડાના માલિકે ઘટનાની જાણકારી ફાયર કંટ્રોલ રૂમને આપી હતી. જેથી તેનું રેસ્ક્યુ કરવા કોસાડ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘોડાને રેસ્ક્યુ કરી કાંસમાંથી બહાર કાઢી લીધો હતો.

ઘટના અંગે કોસાડ ફાયર ઓફિસર પ્રિન્તેશ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે, ગુરુવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં તેમને કોલ મળ્યો હતો કે કોસાડ ગરનાળા નજીક રસ્તાની સાઈડમાં આવેલી કાંસમાં ઘોડો પડી જતાં ફસાઈ ગયો છે. ઘોડાનો માલિક તેને લઇ રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યો હતો, એ દરમિયાન ઘટના બની હતી.

આથી કોસાડ ફાયરની ટીમ અને માર્શલોનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ઘોડો કાંસમાં ઊગેલી જળકુંભીમાં ફસાઈ ગયો હતો. ફાયરના માર્શલ નિલેશ સોલંકી કાંસમાં ઊતર્યા હતા અને ઘોડાના શરીરે દોરડું લપેટ્યા બાદ તેને બહાર કાઢી માલિકને સોંપ્યો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ કોસાડ ફાયરની ટીમે ઘોડાનું રેસ્ક્યુ કર્યુ હતું.

સળગતો દીવો પડતા લાગેલી આગમાં ઘર વખરીનો સમાન બળીને ખાખ
સુરત : નાના વરાછા વિસ્તારની શક્તિ વિજય સોસાયટીના એક મકાનમાં શુક્રવારે સવારે એક મકાનમાં આગ લગતા ફાયર વિભાગ દોડતું થયું હતું. સળગતો દીવો પડતા આગ લાગી જતા ઘર વખરીનો સમાન બળી ગયો હતો. ઘટના અંગે ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, સવારે 9:55 કલાકે તેમને કોલ મળ્યો હતો કે, નાના વરાછા શક્તિ વિજય સોસાયટીના મકાન નંબર 19માં આગ લાગી છે.

કોલ મળતા જ કાપોદ્રા અને પૂણા ફાયર સ્ટેશનની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઓલવવાની કવાયતમાં લાગી હતી. આગ લાગવાથી કબાટ, ગાદલા, ફર્નિચરના સામાનને નુકશાન થયું હતું. ફાયરની ટીમે પાણીનો મારો ચાલવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઇ નહીં હોવાની જાણકારી ફાયરના સૂત્રોએ આપી હતી.

Most Popular

To Top