SURAT

સુરતીઓ બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશન માટે ગજબના આઈડિયા અજમાવા લાગ્યા છે

બર્થડે પાર્ટી મનાવવાનો ટ્રેન્ડ બહુ જૂનો છે. એક સમય એવો હતો કે જ્યારે મોટાભાગના લોકો બાળકોની જ બર્થડે પાર્ટી કરતા અને તે પણ ઘરે જ મોટાભાગે કરાતી. જોકે, પહેલા દરવર્ષે જ બર્થડે પાર્ટીનું આયોજન કરવું તેવું નહીં હતું. પણ આજકાલ શહેરના ધનાડ્ય તથા સમૃદ્ધ વર્ગના છેલછબીલા વરણાગિયા નબીરાઓ અને માનુનીઓ પોતાની દરેક બર્થડે ઉજવે છે અને તે પણ ફુલ ઝાકમઝોળ સાથે અનેરી સ્ટાઇલમાં જ ઉજવવાના નુસ્ખાઓ શોધી કાઢે છે. પોતપોતાની ઉમરના પડાવ મુજબ તેઓના બર્થડે ઉજવવાની રીતોની પસંદગી બદલાતી રહે છે. કેટલાકને તો મોજમજા કરવા તો કેટલાકને પોતાના ફ્રેંદ્સગ્રુપને પ્રભાવિત કરવા ઉજવણી માટે ફક્ત એક બહાનુ જ જોઇતું હોય છે. આજના આવા અસંખ્ય મોડર્ન શહેરી ફરજંદો તથા રાજકુંવરીઓના બર્થડે સેલીબ્રેટ કરવાના આઈડિયાઝના લેટેસ્ટ ટ્રેન્ડ્ઝ જુદા જુદા એજગૃપ્સને આધારે અહી શેર કર્યા છે. તો શોધી લો ફ્રેંડ્સ સાથે સેલીબ્રેટ કરવાનો તમારો મનપસંદ નુસ્ખો…

Age 4-9 ભોળીયા ભૂલકાંઓ
ફાસ્ટ ફૂડ જોઇન્ટનાં પ્લે એરિયામાં સ્પેશ્યલ પાર્ટીનું આકર્ષણ

પહેલાના સમયમાં નાના બાળકોની બર્થડે પાર્ટી મોટાભાગે ઘરે થતી. આવી પાર્ટીમાં કેક, પોટેટો ચિપ્સ, સોફ્ટ ડ્રિંક્સ રહેતું. હવે બદલાતા સમયની સાથે અને વિવિધ પ્રકારના રેસ્ટોરન્ટ અને પ્લે એરિયા ખુલવાની સાથે બાળકોને મજા આવે અને કાંઈક જુદું લાગે તેવા આયોજન કરાય છે. શહેરમાં પીઝ્ઝા-બર્ગરના મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ ખુલ્યા છે. જેમાં ઘણા નાના નાના પ્લે એરિયા હોય છે. બાળકોને આકર્ષવા માટે આ પ્લે એરિયાના સાધનો કલરફૂલ હોય છે. અને તેમાં બાળકો બે-ત્રણ કલાકનો સમય કાઢી શકે છે. આ ઉપરાંત પેરેન્ટ્સ પણ તેમની રીતે મજા કરી શકે છે.

ઇન્ફલેટેબલ પુલ પાર્ટી
આજકાલ ફાર્મ હાઉસમાં પણ પાર્ટી આયોજિત કરવાનો ટ્રેન્ડ છે. તેમાં ફુલાવીને મોટા કરાતા ટબ વાપરવામાં આવે છે. આમાં બાળકોને સ્વિમિંગ પુલની ફિલ આપવામાં આવે છે. આવી પાર્ટી પુલ પાર્ટીના થીમ પર થાય છે. બાળકો આવા ટબમાં છબછબીયા કરી મનોરંજન મેળવતા હોય છે. ગેમ જોકીને પણ બોલાવવામાં આવે છે. ગેમ જોકી બાળકોને મજા આવે તેવી ગેમ રમાડે છે. બાળકો અને તેમના પરેન્ટ્સને ગેમ રમાડી એન્ટરટેઇન કરતા હોય છે.

Age 10-15 તોફાની ટીનએજર્સ
ઇન્ડોર ગેમ્સ આર્કેડમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગેમ્સ રમી પાર્ટીની મજા
10થી 15 વર્ષની કિશોર વયના બોયઝ અને ગર્લ્સ ઘણીવાર પોતાની રીતે પાર્ટી એન્જોય કરવાની ઈચ્છા રાખે છે. ત્યારે તેમના પેરેન્ટ્સ ઇન્ડોર ગેમ આર્કેડમાં બર્થડે પાર્ટીનું આયોજન કરે છે. જેમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગેમ, બોલિંગ, પેંટબોલ, પુલટેબલ ગેમ હોય છે. VR ગેમ્સમાં આયર્ન મેન, સ્કાયરીમ, ઘી ફોરેસ્ટ જેવી ગેમ આકર્ષણના કેન્દ્ર બન્યા છે.

બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ
આજકાલ કેફે સાથે ગેમ પાર્કનો ટ્રેન્ડ છે. જેમાં બોક્સ ક્રિકેટ-ફુટબોલ વગેરે જેવી ગેમ માટે એક કે બે કલાકનો ટાઈમ સ્લોટ આપવામાં આવે છે. આ વયના છોકરાઓ પોતાના ફ્રેન્ડ્સને આવી ગેમ રમવા માટે ઇન્વાઈટ કરીને બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરે છે.
થીમ પાર્ક, વોટર પાર્ક, ટ્રેમ્પોલીન પાર્ક ટીનએજર્સના ફેવરીટ
બર્થડે પાર્ટી માટે થીમ પાર્ક જેવી જગ્યાઓ પણ સિલેક્ટ કરવામાં આવે છે. તેમાં વિવિધ રાઈડ અને ફાસ્ટફૂડનું આટ્રેકશન હોય છે. બર્થડે ગર્લ કે બોયના પેરેન્ટ્સ તેઓના ફ્રેન્ડ્સ માટે વોટર પાર્કની ટીકીટ આપે છે. તેમાં તેઓ વોટર રાઈડની મજા માણે છે. સાથે ટ્રેમ્પોલીન પાર્ક પણ એટલા જ ફેમસ બન્યા છે તેમાં ફ્રેન્ડ્સ સાથે રમીને બર્થડે પાર્ટી એન્જોય કરે છે.

Age 16-23 યુવાનીનો જોશ
પ્રાઇવેટ મૂવી નાઈટ સ્ક્રીનીંગ પોપકોર્ન અને ફૂડ સાથેની પાર્ટી બનાવાય છે યાદગાર
16થી 23 વર્ષના છોકરા-છોકરી પોતાના સ્કૂલ કે કોલેજના ફ્રેન્ડ્સ માટે જાતે જ બર્થડે પાર્ટી આયોજિત કરતા હોય છે. જોકે, પેરેન્ટ્સ આ પાર્ટી માટે ફન્ડિંગ કરી ઘરમાં હોમ થિયેટર હોય તે ફેમેલિના છોકરા-છોકરી માટે નાઈટ આઉટ સાથે મૂવી નાઇટનું આયોજન કરે છે. આજે શહેરના વિવિધ કલબમાં મેમ્બરશીપ ધરાવતા લોકો એમાં મુવીના પ્રાઇવેટ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા કરે છે. જેમાં બર્થડે ગર્લ કે બોયના ફ્રેન્ડ્સને ઇન્વાઈટ કરી સ્મોલ સાઈઝ રિકલાઈનર સીટ પર પોપકોર્ન, સોફ્ટ ડ્રિંક્સ જેવા વિવિધ ફૂડની વ્યવસ્થા કરી આવી બર્થડે પાર્ટીનું આયોજન કરે છે.

ડિસ્કોથેકમાં બોલિવૂડ નાઇટનો પ્રોગ્રામ
18-19 વર્ષથી ઉપરના વયના લોકો બર્થડે પાર્ટી વિવિધ પ્રકારના ડિસ્કોથેકમાં કરવાનું પસંદ કરે છે. જેમાં બૉલીવુડ નાઈટ, ડીજે વગેરે જેવી થિમનું આયોજન કરી મિત્રો સાથે એન્જોય કરે છે.
મેટ્રોસિટીમાં પબ બુક કરાય છે
18-19 વર્ષ પછીની વયના લોકો ઘણીવાર સિટીમાં જ નહીં પણ ઘણીવાર સિટીની બહાર મોટા સિટીમાં પબ કે ડિસ્કોથેકમાં બર્થડે પાર્ટીનું આયોજન કરે છે.

Age 24-30 તરવરતું યૌવન
બોલરૂમ ડાન્સ (કપલ ડાન્સ) પાર્ટીનો વધતો ક્રેઝ
24થી 30 વર્ષના યુવક-યુવતીઓએ જેમણે પોતાના પાર્ટનર શોધી કાઢયા છે તેઓ પોતાના ફ્રેન્ડ્સ સાથે લાઈવ જાઝ બેન્ડની વ્યવસ્થા કરીને આ બોલરૂમ ડાન્સ (કપલ ડાન્સ)નો પ્રોગ્રામ પણ યોજે છે. બોલ બોલરૂમ ડાન્સ કપલમાં કરીને એન્જોય કરવામાં આવે છે.

નજીકના રિસોર્ટમાં નાઈટ આઉટનો પ્રોગ્રામ
બર્થડે પાર્ટીનો આ ટ્રેન્ડ નવો છે. 24થી 30 વર્ષના યુવક-યુવતીઓ પોતેજ પોતાના કલોઝ ફ્રેન્ડ્સ માટે રિસોર્ટમાં નાઈટ આઉટનો પ્રોગ્રામ બનાવી બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરતા હોય છે.

Age 30-40 પરિપક્વ યૌવન
બૉલીવુડ-હોલીવુડ રેટ્રો થીમ પાર્ટીનો વધતો ક્રેઝ

શહેરમાં બર્થડે પાર્ટીનો એક આવો પણ ટ્રેન્ડ જોવા મળે છે જેમાં ઇન્વાઇટ કરવામા આવેલા ગેસ્ટને 70, 80, 90ના દાયકાના બૉલીવુડ કે હોલિવુડના અભિનેતા-અભિનેત્રીના ડ્રેસકોડમાં આવવાનું કહેવામાં આવે છે. પછી ડાન્સ અને ફિલ્મી સોંગ્સની મજા ડિનર પાર્ટી સાથે કરે છે.

કપલ ગેમ્સનું આયોજન
આ એજના ઘણા લોકોના મેરેજ થઈ ગયા હોય છે કે રિલેશનશિપમાં હોય છે. તેઓ માટે નજીકના ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરી કપલ ગેમ રમાડવામાં આવે છે. આમાં કપલ પોત પોતાના સાથી સાથે એક મિનિટ માટે વિવિધ ગેમ રમીને પાર્ટી એન્જોય કરે છે.
સ્ટેન્ડ અપ પરફોર્મર્સ નાઈટનું આયોજન
પોતાની વીસી વટાવી ચૂકેલા લોકો જીવનમાં એ પડાવ પર હોય છે કે જ્યાં તેઓએ આર્થિક અને સામાજિક રીતે સારું એવુ઼ મેળવી લીધું હોય અને ફેમિલી લાઈફમાં પણ શેટલ થઇ ચૂક્યા હોય. આ એજ ગ્રુપમાં પ્રોફેશનલ સ્ટેન્ડ અપ આર્ટિસ્ટ્સ થતા પરફોરમર્સને બોલાવી મિત્રો સાથે મસ્તી મજાક કરતા કરતા બર્ડથે ઉજવવાનો પણ ટ્રેન્ડ છે.

Age 40+ મેચ્યોર મીડલ એજીસ
કરાઓકે, ગઝલ નાઈટ, સુફી નાઈટ : પસંદ પોતપોતાની
આજકાલ બર્થડે પાર્ટીમાં આ વયના લોકો પોતાના ફ્રેન્ડ્સ સાથે ફાર્મ હાઉસ, રિસોર્ટ કે પોતાના હોલીડે હોમમાં ભેગા થાય છે અને ત્યાં બ્લૂટૂથ સ્પીકર સાથે કરાઓકે નાઇટનું આયોજન કરે છે. જેમાં જેને ગાવાનો શોખ હોય પણ તેનો ગાવાનો શોખ અધુરો રહી ગયો હોય તેઓ કરાઓકે નાઇટમાં પોતે ગીતો ગાઇ મજા માણે છે. તો કેટલાક લોકો કોઈ જાણીતા ગાયકને બોલાવી ગઝલ-સૂફી નાઇટનું આયોજન ડિનર પાર્ટી સાથે કરે છે અને બર્થડે પાર્ટીને અલગ જ ટચ આપે છે. આ ટ્રેન્ડ હવે પ્રચલિત થઈ રહ્યો છે.
વેલનેસ સ્પા રિસોર્ટમાં વિકેન્ડ પાર્ટી
વળી કેટલાક સુરતીઓ હેલ્થ ફિટનેસને પ્રત્યે વધુ કોન્શ્યસ થઈ ગયા હોવાથી વેલનેસ સ્પા રિસોર્ટ હોય ત્યાં વિકેન્ડ પાર્ટીનું આયોજન કરી બર્થડેને યાદગાર બનાવે છે.

Most Popular

To Top